Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજુલા માર્કેટીંગ યાર્ડનું ગોડાઉન અન્યને વાપરવા આપી દઈને ખેડૂતોને અન્યાયઃ અંબરીશ ડેર

ન્યાય ન મળે તો ઉપવાસ આંદોલનની ચિમકી

રાજુલા, તા. ૧૨ :. રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરએ રાજુલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીને પત્ર પાઠવીને રાજુલા માર્કેટીંગ યાર્ડનું ગોડાઉન મળતીયાઓને ભાડે-વાપરવા આપેલ છે અને ખેડૂતોને અન્યાય કરેલ છે જેથી ખેડૂતોને ન્યાય આપવા ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે.

અંબરીશભાઈ ડેરએ વધુમાં જણાવ્યુ છે કે, રાજુલા માર્કેટિંગ યાર્ડના ગોડાઉનો તમારા દ્વારા તમારા મળતીયાઓને ભાડે-વાપરવા આપી દીધેલા છે. જેના લીધે ખેડૂતોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. છેલ્લા ૩ દિવસથી ખેડૂતો પોતાનો માલ વહેંચવા માર્કેટિંગ યાર્ડમાં આવે છે અને વેપારીઓ આ માલ ખરીદી કરવાની તૈયારીઓ કરે છે ત્યારે તેઓની પાસે કોઈ જગ્યા નથી કે ગોડાઉનો નથી જ્યાં પોતાનો માલ રાખી શકે કારણ કે માર્કેટિંગ યાર્ડના ગોડાઉનો તમારા દ્વારા અગાઉથી જ લાગતા વળગતા લોકોને ભાડે-વાપરવા આપી દીધા છે અને તેને તમો ખાલી પણ કરાવી શકતા નથી જેથી ખેડૂતો ખૂબજ હેરાન થઈ રહ્યા છે જે વ્યાજબી નથી.

માર્કેટિંગ યાર્ડના હાલના વર્તમાન ચેરમેનશ્રીને પણ આ બાબતે અમોએ ફરીયાદ કરી તો તેમણે પણ કહ્યું કે જે લોકોને ગોડાઉન ભાડે - વાપરવા આપેલ છે તે લોકો ખાલી કરતા નથી અને જો નહિ ખાલી કરે તો માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીને પણ અમોને સમર્થન આપ્યું અને કહ્યું કે હું પણ આપની સાથે છું અને આ બાબત ઉપર ખેડૂતોને ન્યાય અપાવવા ઉપવાસ ઉપર બેસીશ, તો ઉપરોકત બાબતને ગંભીરતાથી લઈ વહેલી તકે જે લોકોને ગોડાઉન ભાડે-વાપરવા આપેલ છે તે ખાલી કરાવવા યોગ્ય કાર્યવાહી કરવા અંબરીશભાઈ ડેરએ માંગ કરી છે.

(12:49 pm IST)