Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

સ્વચ્છ જામનગર બનાવવા લોકો ડોર ટુ ડોર સર્વિસનો લાભ લઇ કચરાનો નિકાલ કરે : જાડેજા

જામનગર તા.૧૨: શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રિમોન્સુન કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં જામનગર શહેરમાં કુલ ૪૦ કિલોમીટર જેટલી લાંબી કેનાલની સાફ સફાઈનું કાર્ય હાલ ચાલુ છે. અન્ન નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર ચાર ખાતે ચાલી રહેલી કેનાલ સાફસફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કોન્ટ્રાકટર અને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

આ સાથે જ મંત્રીશ્રીએ લોકોને પણ અપીલ કરી કહ્યું હતું કે, દરેક લોકો પોતાના વિસ્તારમાં આવતી ડોરટુ ડોરસર્વિસમાં જ કચરો આપે, કેનાલમાં કચરો ન નાંખે તો જ જામનગર સ્વચ્છ જામનગર બની શકશે.

જામનગર ખાતે શહેરમાં કુલ ૪૦ કિલોમીટર જેટલી વિવિધ કેનાલો સ્થિત છે, જેમાં પાણી નિકાલની અને રણમલ તળાવમાં પાણી આવતી કેનાલ મુખ્ય છે. દર વર્ષે આ કેનાલોને ૧૫ મેથી ૧૫ જૂન દરમિયાન ૧૦ વિભાગમાં વિભાજિત કરી નિયમાનુસાર ટેન્ડરિંગ કરી અલગ-અલગ કોન્ટ્રાકટરોને તેની સાફ-સફાઈની જવાબદારી સોંપવામાં આવે છે. જે કેનાલ પાસે જેસીબી અને કચરો ભરવા માટે ટ્રેકટર જઈ શકે છે ત્યાં કેનાલોમાં જેસીબી દ્વારા અને જે વિસ્તારોમાં કેનાલોની આસપાસ માનવવસાહતો હોય જેસીબી જવાની શકયતા નથી ત્યાં માનવ શ્રમ દ્વારા આ કેનાલોની સફાઈ કરવામાં આવે છે. કેનાલની સાફ-સફાઈમાંથી નીકળતો કચરો ટ્રેકટરમાં ભરી ડમ્પિંગ સાઇટ પર લઈ જવામાં આવે છે.

હાલ આ કેનાલ સાફ-સફાઈની કામગીરી ૬૫ ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. જયારે બાકી રહેલ વિસ્તારોની કેનાલની સફાઇ આ વર્ષે વરસાદ વહેલો હોવાની શકયતાને અનુસંધાને ખૂબ ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે. સર્વે કેનાલોમાં દરેડ થી નીકળી તળાવ સુધી જતી તળાવને પાણીથી ભરતી ફીડિંગ કેનાલ ૬.૮૦ કિલોમીટરની સૌથી લાંબી કેનાલ છે. મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ ચોમાસા દરમિયાન પણ કેનાલોમાં કોઈ કચરો ફરી પાછો આવે તો તેને સફાઈ કરી પાણીના નિકાલ વ્યવ્સ્થાપનની જવાબદારી પણ કોન્ટ્રાકટરની સુનિશ્યિત કરવામાં આવી છે.

(12:54 pm IST)