Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

'બૌદ્ઘિક અસમર્થતા ધરાવતી મનોદિવ્યાંગ વ્યકિતઓને આર્થિક સહાય' યોજનામાં દિવ્યાંગ વ્યકિતઓ માટે સરકારનો સંવેદનશીલ અભિગમ

મનોદિવ્યાંગ આર્થિક સહાય યોજનામાં ઓટીઝમ સિંડ્રોમ અને સેરેબ્રલ પાલ્સીનો સમાવેશ :બૌદ્ઘિક અસમર્થતા,ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્યાંગતા ધરાવતાને ખમળશે માસિક એક હજારનું પેંશન

જામનગર તા. ૧૨:  રાજય સરકાર રાજયના દરેક નાગરિકની સતત ચિંતા કરી તેને મદદરૂપ થવા અનેક યોજનાઓ થકી તેમના સાથીની ભૂમિકા ભજવી રહી છે. સમાજના દરેક વર્ગ ખેડૂત, સ્ત્રીઓ, બાળકો, શ્રમિકો હોય કે દિવ્યાંગો હોય હંમેશ તેમના ઉત્કર્ષ હેતુ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમની ચિંતા કરી અનેક યોજનાઓને આકાર આપ્યો છે અને આવશ્યકતા અનુસાર અનેક યોજનાઓમાં ફેરફાર કરીને પણ લોકોની સુખાકારી સુનિશ્ચિત કરી છે. આવી જ એક યોજના અંતર્ગત બૌધ્ધિક અસમર્થતા ધરાવતા 'મનો દિવ્યાંગ' લોકોને પેંશન આપવામાં  આવે છે.  

દિવ્યાંગોને સહાય આપવા હેતુ ગુજરાત રાજયમાં બે યોજના અમલમાં છે. જેમાં (૧) રાજય સરકારની સંત સુરદાસ યોજના હેઠળ બીપીએલ અને ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સહાય અને (૨) ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન યોજના અંતર્ગત ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે માસિક સહાય આપવામાં આવે છે.આ અંતર્ગત દિવ્યાંગોને માસિક ૧૦૦૦ રૂપિયા સહાય(પેંશન) આપવામાં આવે છે.

આ યોજનામાં ફેરફાર સાથે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ વધુ મનોદિવ્યાંગ વ્યકિતઓને આ પેન્શનનો લાભ મળી શકે તે અભિગમથી દિવ્યાંગતાનું ધોરણ ૮૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કર્યું છે સાથે જ સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર ધરાવતા બૌદ્ઘિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યકિતઓનો પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.આમ બૌદ્ઘિક અસમર્થતા, સેરેબ્રલ પાલ્સી અને ઓટીઝમ આ ત્રણેય દિવ્યાંગતા ધરાવતા ૭૫% કે તેથી વધુ દિવ્યાંગતાવાળું ડોકટરી પ્રમાણપત્ર ધરાવતા લાભાર્થી લાભ લઈ શકશે.

સેરેબ્રલ પાલ્સી એટલે શું?

સેરેબ્રલ પાલ્સી (સીપી) એ વિકારોનો એક જૂથ છે જે વ્યકિતની સંતુલન અને મુદ્રામાં સ્થળાંતર કરવાની અને જાળવણી કરવાની ક્ષમતાને અસર કરે છે. બાળપણમાં સી.પી. સૌથી સામાન્ય બૌધ્ધિક વિકલાંગતા છે. સેરેબ્રલ એટલે કે મગજ સાથે કરવાની ક્રિયાઓ  અને પાલ્સી એટલે કે લકવો/નબળાઇ અથવા સ્નાયુઓનો ઉપયોગ કરતી સમસ્યાઓ. સી.પી. મગજનો અસામાન્ય વિકાસ અથવા વિકાસશીલ મગજના નુકસાનને કારણે થાય છે, જે વ્યકિતની તેના સ્નાયુઓને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે.

સી.પી.ના લક્ષણો વ્યકિત-વ્યકિતમાં જુદા જુદા હોય છે. ગંભીર સી.પી ધરાવતા વ્યકિતને ચાલવા માટે સક્ષમ થવા માટે વિશેષ ઉપકરણોનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે, અથવા તે બિલકુલ ચાલી શકશે નહીં અને આજીવન સંભાળની જરૂર પડી શકે છે. બીજી બાજુ હળવી સી.પી ધરાવતો વ્યકિત થોડો અજીબોગરીબ ચાલશે, પરંતુ તેને કોઈ વિશેષ સહાયની જરૂર નહીં પડે. સી.પી સમય જતાં વધુ ખરાબ થતો નથી, જોકે ચોક્કસ લક્ષણો વ્યકિતના જીવનકાળમાં બદલાઈ શકે છે. સીપી ધરાવતા દરેક વ્યકિતને હલનચલન અને મુદ્રામાં સમસ્યા હોય છે. ઘણા લોકોને બૌદ્ઘિક અક્ષમતા જેવી તકલીફો પણ હોય છે, આંચકી આવવી, દ્રષ્ટિ, સાંભળવાની અથવા વાણી સંબંધિત સમસ્યાઓ, કરોડરજ્જુમાં ફેરફારો (જેમ કે સ્કોલિયોસિસ) અથવા હાડકાના જોડાણની સમસ્યાઓ હોઇ શકે છે.

ઓટિઝમ એટલે શું?

ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર (એએસડી)એ વિકાસલક્ષી અપંગતા છે, જે નોંધપાત્ર સામાજિક, સંદેશાવ્યવહાર અને વર્તણૂકીય પડકારોનું કારણ બની શકે છે. એએસડી ધરાવતા લોકો કેવી રીતે અન્ય લોકોથી જુદા પડે છે તે વિશે હંમેશાં કંઈ નિશ્વિત હોતું નથી, પરંતુ એએસડી ધરાવતા લોકો સામાન્ય લોકોથી અલગ રીતે વાતચીત કરી શકે છે, વર્તન કરે છે અને મોટાભાગના લોકોથી જુદી રીતે તે શીખી શકે છે. એએસડી ધરાવતા લોકોની શીખવાની, વિચારવાની અને સમસ્યા હલ કરવાની ક્ષમતાઓ કયારેક ઘણા હોશિયાર લોકો માટે પણ મોટા પડકાર જેવી હોઇ શકે છે. પરંતુ એએસડી ધરાવતા કેટલાક લોકોને તેમના રોજિંદા જીવનમાં સામાન્ય કામ માટે પણ અન્યોની ઘણી સહાયની જરૂર હોય છે

એએસડીના નિદાનમાં હવે ઘણી અન્ય સ્થિતિઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જેમ કે,  ઓટીસ્ટીક ડિસઓર્ડર, વ્યાપક વિકાસલક્ષી ડિસઓર્ડર, પીડીડી-એનઓએસ અને એસ્પરજર સિન્ડ્રોમ. આ પરિસ્થિતિઓને હવે ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ ઠરાવથી ઉકત દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતી વ્યકિત માસિક રૂ.૧૦૦૦નું પેંશન મેળવવા પાત્ર બનશે.

જામનગર જિલ્લામાં આ યોજનામાં અરજી કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી  જિલ્લા સેવા સદન – ૪, ભોંયતળીયે, ગણેશ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં, ઓફીસ નં.૩૩ જામનગર રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે વધુ માહિતી માટે ફોન.નં. પર ૦૨૮૮-૨૫૭૦૩૦૬ અથવા E-mail. id. dsdo-jam@gujarat.gov.in પર સંપર્ક કરવા અનુરોધ છે.

 : સંકલન :

દિવ્યા ત્રિવેદી

માહિતી મદદનીશ

માહિતી બ્યુરો,જામનગર

(12:55 pm IST)