Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગાદીના ગામ ગોંડલ ખાતે નગરપાલીકા દ્વારા

નાની બજાર માર્ગને જૈનાચાર્ય ડુંગરસિંહ સ્વામી માર્ગ નામકરણઃ કાલે અનાવરણ

પૂ. સુશાંતમુનિ મ.સા., પૂ. પારસ મુનિ મ.સા. તથા સતીજીઓની નિશ્રાઃ અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧રઃ ગોંડલ સંપ્રદાયના ગાદિપતિ પૂ. ગુરૂદેવશ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્ય પ્રાણ પરિવારના વરિષ્ઠ સંત ગુજરાત રત્ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. તા. ૧ર/૬ના રાજકોટથી વિહાર કરી તા. ૧૩/૬ ને રવિવારે સવારે ૧૦ કલાકે ગાદીના ગામ ગોંડલમાં દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રયમાં ચાતુર્માસ કલ્પ અર્થે સદ્દગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. સદ્દ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં બંને ગુરૂભગવંતો ચાતુર્માસ પ્રવેશ કરશે.

દાદા ડુંગર ગુરૂના દ્વિશતાબ્દી સ્વર્ગારોહણ નિમિતે ગત વર્ષે તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. સમાધિસ્થાનમાં પૂ. સુશાંતમુનિ મ.સા. એવં પૂ. પારસમુનિ મ.સા. ચાતુર્માસ કલ્પ ગોંડલ પધારે તેવા ભાવ ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીએ વ્યકત કરેલ તે ભાવ પરિપૂર્ણ થતાં ગોંડલ સકલ સંઘમાં આનંદ આનંદમય વાતાવરણ બન્યું છે.

દાદા ડુંગર ગુરૂ ગાદી ઉપાશ્રય ગોંડલ નાની બજારમાં આવેલ છે જે માર્ગને દાદા ડુંગર ગુરૂ દ્વિશતાબ્દી સ્વર્ગારોહણ નિમિતે 'જૈનાચાર્ય ડુંગરસિંહજી સ્વામી માર્ગ' એવું નામકરણ ગોંડલ નગરપાલિકા દ્વારા નિશ્ચિત થતાં પૂ. સુશાંતમુનિ મ.સા. પૂ. પારસમુનિ મ.સા., શાસન ચંદ્રિકા પૂ. હીરાબાઇ મ.સ., પૂ. સ્મિતાબાઇ મ.સ., પૂ. તરૂલતાબાઇ મ.સ., પૂ. જયોતિબાઇ મ.સ., પૂ. તરૂબાઇ મ.સ. આદિ એવં સંઘાણી સંપ્રદાયના વરિષ્ઠ સાધ્વીરત્ના પૂ. ઉષાબાઇ મ.સ. આદિ સંત-સંતીજીના મંગલ સાનિધ્યે તથા ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, ગોંડલ સંઘાણી સંઘ પ્રમુખ અશોકભાઇ કોઠારી, તપાગચ્છ સંઘ સેક્રેટરી પંકજભાઇ શેઠ, લોકાગચ્છ સંઘ પ્રમુખ આશિષભાઇ દોશી, રાજકોટ રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ વૈયાવચ્ચરત્ન ચંદ્રકાંતભાઇ શેઠ, શેઠ ઉપાશ્રયના વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષભાઇ માંઉ, આદિ ગોંડલ, રાજકોટના જૈન સમાજના ગણમાન્ય પદાધિકારીગણ એવં ગોંડલના યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહજી (ગણેશભાઇ) જયરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ નગર પાલિકાના પદાધિકારીગણની ઉપસ્થિતિમાં 'જૈનાચાર્ય ડુંગરસિંહજી સ્વામી માર્ગ' શિલાલેખની ઉદ્દઘાટન વિધિ થશે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને શિલાલેખ અંકિત કરવા સુધીના કાર્યમાં પ્રવિણભાઇ કોઠારી, અશોકભાઇ કોઠારી, જીજ્ઞેશભાઇ વોરા, અમીચંદભાઇ શાહ, સંજીવભાઇ શેઠ, રાજેન્દ્રસિંહજી જાડેજા, શૈલેષભાઇ માંઉ એ ખૂબ પુરૂષાર્થ કરી કાર્યને સફળ બનાવ્યું છે. એમ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીની યાદીમાં જણાવ્યું છે.

(4:37 pm IST)