Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમરેલીમાં પેટ્રોલ પંપના માલિક પાસે ૧૦ લાખની ખંડણી માગનાર અને એસ.પી.ને પડકાર ફેંકનાર છત્રપાલ વાળા ઝડપાયો

અમરેલી, તા. ૧ર : અમરેલી શહેરમાં પેટ્રોલપંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.૧૦ લાખની ખંડણીની માંગણી કરી હતી. અને જાનથી મારીનાખવાની ધમકી આપી હતી. તથા ફાયરિંગ કરવાની પણ ધમકી આપી હતી. આ પ્રકારની ઓડિયો કિલપ પણ વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. જ્યારે આ ઓડિયો કિલપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેક્યો હતો. અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારે બાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સીટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતા અમરેલી પોલીસની ટીમો અલગ અલગ દોડી તપાસ હાથ ધરી હતી. ત્યારે મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પાડ્યો છે.

ખંડણી માટે ફોન કરનાર અને એસપી નિરલિપ્ત રાયને ખુલ્લો પડકાર ફેકનાર છત્રપાલ વાળા મોડી રાતે અમરેલી એલસીબીના હાથે પકડાયો છે. જ્યારે મોડી રાતે આરોપીને અમરેલી એલસીબી ખાતે લઈ આવ્યાં છે. અને પૂછપરછ હાથ ધરાઇ છે. તથા બપોર બાદ પ્રેસ કરી પોલીસ માહિતી જાહેર કરશે.

 અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ ૧૦ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી.

છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો કિલપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.

પેટ્રોલપંપના માલિકને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવનારો છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

(4:39 pm IST)