Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અહીં કલા છે, કસબ છે, કારીગરી છે, અહીં છે કંઇ ખાસ, અમારો કચ્છડો બારે માસ

આજે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ

જાણીતા ભજનિક હેમંત ચૌહાણ અને પત્રકાર રામજી મેરિયાના કચ્છી સંસ્કૃતિ, પ્રવાસન સ્થળોને ઉજાગર કરતા 'કચ્છડો બારે માસ' ગીતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને કર્યા ઘેલા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : મરૂ, મેરૂ અને મેરામણની ભૂમિ કચ્છ માટે આજે 'અષાઢી બીજ'નું વિશેષ મહત્વ છે. આજથી કચ્છી નવું વરસ શરૂ થાય છે. મેઘરાજાની પધરામણીની ઉમંગપૂર્વક રાહ જોતા કચ્છી માડુ માટે મેઘરાજાની પધરામણી હરખનો અવસર લઈ આવે છે.

રેતાળ પ્રદેશના આ હેતાળ માનવીઓએ હમેશાં પોતાની કલા, કસબ અને સંસ્કૃતિના માધ્યમ સાથે સ્નેહભર્યા આતિથ્ય સત્કાર દ્વારા સૌને આકર્ષ્યા છે. આવા જ સુંદર ભાવ સાથે કચ્છના ઓવારણાં લઈ રહેલા જાણીતા ભજનિક હેમંત ચૌહાણ અને કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામના પ્રવાસન ઘેલા પત્રકાર રામજી મેરિયાએ કોરોના કાળ બાદ કચ્છના પ્રવાસનને ઉજાગર કરવા નિઃસ્વાર્થ ભાવે એક સુંદર મજાનું પ્રવાસન ગીત તૈયાર કર્યું છે. માત્ર ૧૧ મિનિટમાં 'કચ્છદર્શન' કરાવતાં ડોકયુમેન્ટરી ફિલ્મ જેવા આ ગીતનું કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે ચોબારી, (ભચાઉ)માં લોન્ચિંગ કરાયુ અને બે દિવસમાં તો આ ગીત કચ્છી નવા વર્ષની શુભેચ્છાનું પ્રતીક બની સોશ્યલ મીડિયામાં ભારે ધૂમ મચાવીને દેશ વિદેશમાં લોકોના દિલ અને દિમાગ ઉપર છવાઈ ગયું છે. ગ્રામીણ વિસ્તારના એક પત્રકાર અને પ્રવાસન ભોમિયા માટે ટાંચા સાધનો અને મર્યાદિત બજેટમાં રાજયના વિશાળ જિલ્લાની સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળોને આવરી લેતું ડોકયુમેન્ટરી ફિલ્મ જેવું ગીત બનાવવવું એ કપરો પડકાર હતો, પણ રામજી મેરિયાના વતન પ્રેમે અવરોધો પાર કરીને આ કાર્ય શકય બનાવ્યું.

આ પ્રવાસન ગીતના લોન્ચિંગ માટે ચોબારી આવેલા જાણીતા ભજનિક હેમંત ચૌહાણે 'અકિલા' કચ્છના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પત્રકાર મિત્ર રામજી મેરિયાએ કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ, પ્રવાસન સ્થળોને લોક ભોગ્ય શૈલીમાં ઉજાગર કરતાં ગીતની રચના કર્યા બાદ તેને સ્વરબદ્ઘ કરી સંગીત સાથે લોકોની વચ્ચે મૂકવા મારો સંપર્ક કર્યો. કચ્છ સાથે મને પણ હમેશાં લગાવ રહ્યો છે, એટલે મને થયું હું પણ આમાં મારું યોગદાન આપું અને નિૅંસ્વાર્થ ભાવ સાથે આ ગીત બનાવવાનું બીજ રોપાયું. આમ તો, સરકાર કચ્છના પ્રવાસન માટે સતત જાગૃત છે. પણ, કોરોના બાદની પરિસ્થિતિ વચ્ચે આપણે પણ કંઇક કરવું જોઈએ એવો ભાવ એમાં ભળ્યો અને આ ગીતના નિર્માણ દ્વારા અમને એક સુંદર મજાનું કાર્ય કરવાનાનો આનંદ મળ્યો છે. હેમંતભાઈ ચૌહાણ ઉત્સાહપૂર્ણ સૂરે કહે છે કે, અમે આમાં કચ્છના ધાર્મિક સ્થળો, લોક સંસ્કૃતિ, હસ્તકલા, પ્રવાસન સ્થળો ઉપરાંત પર્યાવરણને સાંકળીને કચ્છના પક્ષીઓ, વન્ય જીવન સાથે કચ્છ સરહદે સાબદા આપણાં જવાનો સહિત મરુ, મેરુ અને મેરામણને કચકડે કંડારી માત્ર ૧૧ મિનિટમાં કચ્છનો ધબકાર લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. કચ્છના અને ખાસ કરીને વાગડ વિસ્તારના પ્રવાસન માટે સતત સક્રિય એવા ભોમિયા પત્રકાર મિત્ર રામજી મેરિયા કહે છે કે, કોરોના કાળ દરમ્યાન સતત મને એમ થતું રહેતું કે, મારા વતન માટે હું કંઈક કરું, પ્રવાસન મારો શોખ હોઈ સતત હું કચ્છમાં ફરતો રહું છું. ફરતા ફરતા મારા મનમાં કચ્છ માટેના ગીતો રચાતા ગયા, જે અક્ષરદેહે કાગળ ઉપર ઉતર્યા બાદ તેને સૂર, સંગીત સાથે સાંકળી સ્વરબદ્ઘ કરવા માટે સતત વિચાર આવતા. આ વિચારબીજ સાથે મેં જાણીતા હેમંતભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો અને મારા આશ્ચર્ય વચ્ચે તેઓ નિૅંસ્વાર્થ ભાવે ગાવા તૈયાર થઈ ગયા. જોકે, આ ગીતમાં જાણીતા કલાકારો દિલીપ જોશી, અપરા મહેતા, મલ્હાર ઠાકર, મલ્હાર બૂચે પણ પોતાનો સૂર પુરાવી મારો ઉત્સાહ વધાર્યો છે.

આ પ્રવાસન ગીતના લોન્ચિંગ માટે આયોજિત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, પૂર્વ નાણાં મંત્રી બાબુલાલ મેઘજી શાહ, પૂ. દેવનાથ બાપુ, પૂ. ત્રિકાલદાસ બાપુ, રાજકીય આગેવાન અરજણ રબારી, અનિલ વેલજીભાઈ ગજજર, કેશવજી હરિયા, પત્રકારો વિનોદ ગાલા અને કૌશિક કાંઠેચા જોડાયા હતા. પૂર્વમાં સુરજબારીથી ઉગતા સૂર્ય નારાયણ અને પશ્ચિમી અરબી સમુદ્રમાં અસ્ત થતાં સૂરજ સાથે કચ્છીયતને સમગ્રતયા આવરી સંગીતના માધ્યમથી લોકભોગ્ય શૈલીમાં કચ્છના પ્રવાસનને વિશ્વ ફલક ઉપર મુકવાના આ સુંદર પ્રયાસ બદલ પત્રકાર મિત્ર રામજી મેરિયાને અભિનંદન.

(11:07 am IST)