Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કર્ફયુની વચ્ચે નીકળી

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ભાવિકો દર્શન ન કરી શકતા નારાજગી : હરૂભાઇ ગોંડલીયા, ભારતીબેન શિયાળ, વિભાવરીબેન દવે સહિતના જોડાયા

ગુજરાતમાં બીજા ક્રમની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી અષાઢી બીજની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આજે ભાવનગરમાં નીકળી હતી. તંત્ર દ્વારા રથયાત્રા રૂટ ઉપર કર્ફયુ જાહેર કરાયો હોય લોકો ભગવાનના દર્શન કરી શકયા ન હતા. સવારે શાસ્ત્રોકત વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું ત્યારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૨ : આજે અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળી હતી. આ વખતે કર્ફયુને કારણે લોકો ભગવાનના દર્શન ન કરી શકયા હતા અને ઘરમાં જ રહેવું પડતા નારાજગી ફેલાઇ છે. સવારે શાસ્ત્રોકત વિધીથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું અને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે રથયાત્રા એક પણ જગ્યાએ રોકયા વગર આગળ વધી હતી.

ભાવનગરમાં આજે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સરકારની ગાઇડ લાઇન મુજબ કાઢવામાં આવી હતી. કોરોનાના ગ્રહણના કારણે વિશાળ રથયાત્રા નિકળી ન હતી અને કર્ફયુ વચ્ચે ભગવાનના રથ સહિત પાંચ વાહનો યાત્રામાં જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે રથયાત્રા નહિ પરંતુ પોલીસયાત્રા હોય તેવું લોકો ચર્ચા કરતા હતા.

આજે સવારે ૮ વાગ્યે શહેરના સુભાષનગર ખાતે શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઇશ્રી બલરામજી અને બહેન શ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધીથી સ્થાપના કરી પૂજા - અર્ચના કરવામાં આવી હતી. સંતો, મહંતો, ભાવનગરના નેક નામદાર મહારાજજી વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિંહજીના હસ્તે સોનાના ઝાડુથી 'છેડાપોરા' વિધી તથા 'પહિન્દ' વિધિ કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું.

રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા તથા સાંસદ ડો. ભારતીબેન શિયાળ, મંત્રી વિભાવરીબેન દવે, મેયર કિર્તીબેન દાણીધારીયા સહિતના મહાનુભાવોએ ભગવાનનો જયજયકાર કર્યો હતો.

રથયાત્રા તેના નિયત રૂટ પર ફરી હતી પરંતુ તંત્રના આદેશથી રસ્તામાં કયાંય પણ રોકાઇ ન હતી અને યાત્રા રૂટ પર તંત્ર દ્વારા કર્ફયુ હોવાને કારણે લોકો ઘરની બહાર નીકળી શકયા નહતા. અને ઘરે જ ટી.વી. - મોબાઇલ પર રથયાત્રા જોઇ હતી.

રથયાત્રા દરમિયાન કર્ફયુ હોવા છતાં તંત્ર દ્વારા અગાઉના વર્ષોની જેમ જ લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને શહેરના માર્ગો પર બેરીટેક બાંધી રસ્તા બંધ કરી ડાયવર્ડ કરાતા અનેક લોકોએ ભારે મુશ્કેલીઓ અનુભવી હતી. રથયાત્રામાં ૩૫૦૦ જેટલા પોલીસ કર્મીઓએ બંદોબસ્ત જાળવ્યો હતો. શહેરના સંવેદનશીલ વિસ્તારો લશ્કરી છાવણીમાં ફેરવાયા હતા.

ગુજરાતની બીજા ક્રમની અને દેશની ત્રીજા ક્રમની એવી ભાવનગરની રથયાત્રાનો આ વર્ષે લોકોમાં ઉત્સાહ ન હતો કેમકે તેઓએ ઘરમાં જ રહેવું પડયું હતું.

(11:06 am IST)