Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જગન્નાથજી ભગવાન કોરોનાથી મુકિત આપોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાર્થના

અષાઢી બીજની સાદગીપૂર્ણ ઉજવણીઃ પરબધામ-તોરણીયા સહિત અનેક જગ્યાએ સામુહિક કાર્યક્રમો રદ્દઃ ઘરે બેઠા પ્રાર્થના-પૂજન-અર્ચન

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સાદાઈથી આજે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શ્રી જગન્નાથજીને સમક્ષ ભાવિકો દ્વારા 'કોરોનાથી મુકિત આપો'ની પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ભગવાન શ્રી જગન્નાથજીને ઘરે બેઠા ભાવિકો દ્વારા પ્રાર્થના સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતું.

મોરબીમાં વર્ષોથી દર અષાઢી બીજના પાવન અવસરને સમસ્ત ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માતાજી પ્રાગટય અવસર તરીકે ઉજવી આ અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ રથયાત્રા સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા પૈકીનો એક ગણાય છે પણ છેલ્લા બે વર્ષથી અષાઢી બીજે મચ્છુ માતાજીની રથયાત્રાને કોરોના મહામારીનું વિઘ્ન નડી ગયુ છે. ગયા વર્ષ બાદ આ વર્ષે પણ મચ્છુ માતાજીની રથયાત્રા રદ કરવાનોે નિર્ણય લેવાયો છે. એટલે આવતીકાલે અષાઢી બીજે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા નિકળશે નહિ. માત્ર મચ્છુ માતાજીની પૂજા-અર્ચના જ કરાશે. તેમજ ભેસાણ નજીક પરબધામમાં ધોરાજી નજીક તોરણીયા નકલંકધામ, જૂનાગઢ મજેવડી ખાતે દેવતણખીદાદા જગ્યામાં આ વર્ષે અષાઢી બીજની ઉજવણી રદ કરવામાં આવી છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ કોરોના મહામારીમાં આજે અષાઢી બીજની ઉજવણી વરસાદી વાતાવરણમાં ઠેર ઠેર સાદાઈથી સરકારની ગાઈડલાઈન મુજબ થઈ રહી છે ત્યારે જસદણના નાગરિકોને નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા (મો. ૯૮૨૪૯ ૦૫૧૭૧) અને જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ (મો. ૯૬૦૧૫ ૧૧૧૧૧) એ અભિનંદન પાઠવ્યા છે. બન્ને આગેવાનોએ વધુમાં જણાવ્યુ છે કે, જસદણના તમામ લોકો આગામી દિવસોમાં સુખી અને સમૃદ્ધ બને એવી અંતમાં શુભકામનાઓ પાઠવી હતી.

(12:02 pm IST)