Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પોરબંદરમાં માલદેભાઇ મકવાણા, તેના પત્નિ અને બે પુત્રો પર હીચકારો હુમલો

રમી રહેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થયા બાદ મોટેરા બાખડી પડ્યા : પડોશીઓ અકરમ, ડોસુભાઇ સહિતના લાકડી-કુહાડી-પાઇપથી તૂટી પડ્યાઃ ઘાયલોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૨: પોરબંદરમાં શેરીમાં રમી રહેલા નાના બાળકો રમતાં રમતાં બાખડી પડ્યા બાદ મોટેરાઓ વચ્ચે માથાકુટ થતાં વણકર પ્રોૈઢ, તેમના પત્નિ અને બે પુત્રો પર પડોશી પરિવારના લોકોએ કુહાડી, પાઇપ, લાકડીથી હીચકારો હુમલો કરી ચારેયને ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

પોરબંદર આશાપુરા જગદીશ ગેસ ગોડાઉન પાછળ રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં માલદેભાઇ ઘેલાભાઇ મકવાણા  (ઉ.વ.૫૭), તેમના પત્નિ લાખીબેન (ઉ.વ.૫૫) અને બે પુત્રો રમેશભાઇ (ઉ.વ.૪૧) તથા જીતેશભાઇ (ઉ.વ.૩૫)ને પડોશી અકરમ, ડોસુભાઇ અને અજાણ્યાએ મળી માર મારતાં ચારેયને પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

માલદેભાઇના સગા છગનભાઇના કહેવા મુજબ છોકરાઓએ રમતાં રમતાં ઝઘડો કરતાં પોતાના છોકરાઓનું અકરમ સહિતનાએ ઉપરાણું લઇ હુમલો કરી દીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)