Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અષાઢી બીજનું શુકન સાચવતા મેઘરાજાઃ ભુજ-૩, મુંદ્રા-ર, માંડવી-ભચાઉ ૧ાા, માંગરોળમાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સમયસર મેઘમહેરઃ સવારે માંગરોળમાં ૧ ઇચઃ સર્વત્ર વાદળા છવાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેરથી વધુ વરસાદની આશાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા ધીમે - ધીમે મહેરબાન થઇ રહ્યા છે ત્યારે પ્રથમ તસ્વીરમાં ભુજ, બીજી તસ્વીરમાં ધોરાજી, ત્રીજી તસ્વીરમાં માળીયા હાટીના, ચોથી તસ્વીરમાં ગોંડલ અને પાંચમી તથા છઠ્ઠી તસ્વીરમાં જામજોધપુરમાં પડેલ વરસાદી પાણી નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા (ભુજ), ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), મહેશ કાનાબાર (માળીયા હાટીના), ભાવેશ ભોજાણી (ગોંડલ) દર્શન મકવાણા (જામજોધપુર)

રાજકોટ તા. ૧રઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજનું મેઘરાજાએ શુકન સાચવ્યું છે અને શનિવારથી શરૂ થયેલ મેઘમહેર આજે પણ યથાવત છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને ભુજમાં ૩  ઇંચ, અંજાર દોઢથી ર ઇંચ, સવારે જુનાગઢના માંગરોળમાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સમયસર મેઘરાજા મહેરબાન થયા છે અને વાદળછાંયા વાતાવરણ છવાયું છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) કચ્છી નવા વર્ષે કચ્છમાં અમી છાંટણા કરી મેઘરાજાએ શુકન સાચવી લીધું છે આગાહી વચ્ચે ગઇકાલે મોડી સાંજથી આજ સવાર સુધીમાં ભુજમાં ૩ ઇંચ, મુન્દ્રામાં ર ઇંચ, માંડવી, ભચાઉમાં દોઢ ઇંચ, અંજાર પંથકમાં દોઢથી બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. જયારે જખત્રાણા, લખપત, અબડાસા અને રાપર પંથકમાં હળવા ઝાપટાં સાથે અડધાથી એક ઇંચ વરસાદ પડયો છે. અત્યારે સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ હોઇ વરસાદની આશા બંધાઇ છે. એકંદરે ભારે ગરમી વચ્ચે કચ્છમાં વરસાદી માહોલ ઉદ્દભવતા લોકો ખુશ છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલમાં સવારથી જ આકાશ ગોરંભાયું હતું. સવારે હળવાં ઝાપટાં વરસ્યાં બાદ સાંજે ધીમી ધારે વરસાદ વરસતાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ માંગરોળમાં આજે સવારે પણ એક ઇંચ વરસાદ થતા લોકોમાં ખુશી વ્યાપી ગઇ હતી.

છેલ્લા ર૪ કલાકમાં જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ પાંચ  ઇંચ વરસાદ મેંદરડા તાલુકામાં નોંધાયો હતો. જો કે આજે મેંદરડા વિસ્તારમાં ઉધાડ નીકળ્યો છે.

સવાર સુધીમાં કેશોદમાં ૧૦ મીમી, જુનાગઢ-૩, ભેસાણ-૧૦ મીમી, માંગરોળ-૧૦ મીમી, માણાવદર-રપ મીમી , માળીયા ૪ અને વિસાવદરમાં પાંચ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે વંથલી પંથક કોરો ધાકોડ રહ્યો હતો.

આજે અષાઢી બીજની સવારથી જુનાગઢ જિલ્લાનાં મોટા ભાગના વરસાદી વાતારણ છે. જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં લોકો મેઘાની પ્રતિક્ષા કરી રહ્યા છે.

દરમ્યાનમાં માંગરોળ અને તેની આસપાસનાં વિસ્તારોમાં આજે પણ વહેલી સવારથી મેઘાએ ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું હતું અને સવારનાં ૬ થી ૮ નાં બે કલાકમાં વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

જુનાગઢ જિલ્લાનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની ઘટ છે તેથી આજે અષાઢી બીજને લઇ મેઘરાજા જોરદાર મહેર વરસાદે તેવી લોકોની અભિલાષા છે.

ભાણવડ

(કૌશલ સવજાણી ડી.કે. પરમાર દ્વારા) ખંભાળીયા-ભાણવડઃ ભણવડ પંથકમાં પણ મેઘરાજાએ પધરામણી કરેલ બરડાડુંગર વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડયો હતો.જયારે ભેઢાખાઇ, તોરીયા સહીતના ગામડાઓ તેમજ લાલપુરના ભાણગોર, ગામની નદીઓ બે કાંઠે વહી હતી સારા વરસાદથી શહેરના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પ્રથમ રાઉન્ડ પછી લાંબા વિરામબાદ મેઘરાજાએ પધરામણી કરતા મોલાતોને જીવનદાન મળેલ તેમજ ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળેલ.

જોમજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુરઃ ગઇકાલે બપોર બાદ જામજોધપુરમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તાલુકાના શેઠવડાળા, ધુનડા, ધ્રાફા, ગીંગણી, સીંદસર, બાલવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો છે. સાથોસાથ ખેતરોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે.

(1:23 pm IST)