Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કેશોદમાં સિઝન શરૂ થયાના એક માસ બાદ મળ્યા ચોમાસાના ચિન્હો!: બે દિ' માં ૧ા ઇંચ

આજે અષાઢી બીજના પવિત્ર દિને વાવણી લાયક વરસાદ થઇ જાય તેવી ખેડૂતોમાં બંધાણી આશા : ચોમાસુ સિઝન બેસી ગયા બાદ વરસાદનો એક છાંટો પણ ન પડતાં લોકો ચિંતિત બનેલ હતાઃ અમાસથી ઉભો થયો માહોલઃ ગત વર્ષની સરખામણીમાં 'મેઘો' લગભગ ૪૦ દિ' મોડો, જેઠ માસ (જુન) કોરો ગયો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧ર :.. ગત શનિવારથી કેશોદ વિસ્તાર પર આકાશમાં સજળ કાળા ડીબાંગ સર્જાયેલ વાદળો વચ્ચે વરસાદી માહોલ ઉભો થતાં સત્તાવાર રીતે ચોમાસુ સિઝન શરૂ થયાના લગભગ એક માસ બાદ અત્રે ચોમાસુ વર્ષાના પ્રારંભના ચિન્હો મળતાં લોકો થનગની ઉઠેલ છે.

અત્રે ગત શનિવારના અમાસના દિવસથી વરસાદી માહોલ ઉભો થતાં પ્રવર્તમાન ચોમાસુ સિઝનનો છેલ્લા બે દિવસમાં સૌ પ્રથમ સવા ઇંચ જેવો વરસાદ પડેલ છે.

નોંધનીય છે કે, ગત વર્ષે ર જુન આસપાસ એક પખવાડીયુ વહેલુ અત્રે ચોમાસુ સિઝનનું આગમન થયેલ એ દ્રષ્ટીએ ગત વર્ષની સરખામણીમાં લગભગ ૪૦ દિવસ જેવો મોડો શરૂ થયેલ છે.

જો કે, સત્તાવાર રીતે ૧૦ થી ૧પ જુન થી ચોમાસુ સિઝનની શરૂઆત થયા બાદ ર૦ જુનની આસપાસ સામાન્ય રીતે સર્વત્ર વાવણી લાયક વરસાદ થઇ જતો હોઇ છે.

પરંતુ ચાલુ વર્ષે કાંઇક સ્થિતિ અલગ જ જોવા મળેલ છે. લગભગ એકાદ પખવાડીયા પહેલા કેશોદની આસપાસના મોટાભાગના તાલુકાઓ ઉપરાંત રાજયના મોટાભાગના વિસ્તારોમાં મેઘાનું મંડાણ થઇ ગયેલ હતું ત્યારે આ સ્થિતિ વચ્ચે પણ કેશોદ વિસ્તાર કોરો ધાકોડ રહી જતાં ખેડૂતો સહિત સામાન્ય  લોકો ચિંતિત બનેલ હતાં.

ચોમાસુ સિઝન બેસતાની સાથે જ વાવણી કાર્ય માટે તમામ પ્રકારની તૈયારી કરી બેસેલા ખેડૂતોની નજર ચાતક પક્ષીની માફક છેલ્લા એક માસથી આકાશે મંડાયેલી હતી. આ સ્થિતી વચ્ચે છેલ્લા બે દિવસથી આકાશી સ્થિતિનો માહોલ બદલાતાં સારા વરસાદની આશા જન્મેલ છે.

સમગ્ર જેઠ માસ કોરો ગયા બાદ અમાસથી માહોલ ઉભો થયેલ છે ત્યારે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે વાવણી જોગ વરસાદ થઇ જાય તેવી આશા લોકો વ્યકત કરી રહેલ છે.

દરમિયાન ગઇકાલ સવારથી આજ સવાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતાં સિઝનનો કુલ સવા ઇંચ વરસાદ નોંધાયેલ છે. વાતાવરણ જોતાં સારો વરસાદ પડવાની શકયતા જણાઇ રહેલ છે.

(3:09 pm IST)