Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વિસાવદરમાં ૨ કલાકમાં ૨ ઈંચઃ વેરાવળમાં દોઢ ઈંચઃ જૂનાગઢમાં ધોધમારઃ અન્યત્ર ઝાપટાથી માંડીને ૧ ઈંચ

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસુ જામતુ જાતુ હોય તેવો માહોલ છવાઈ રહ્યો છે અને આવા વાતાવરણ વચ્ચે ઝાપટાથી માંડીને ૨ ઈંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે, જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આજે બપોરના ૨ થી ૪ દરમિયાન ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માળીયાહાટીના અને મેદરડામાં વરસાદી ઝાપટા વરસ્યા છે. બપોરે ૪ વાગ્યા આસપાસ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં દોઢ ઈંચ, સૂત્રાપાડામાં પોણા ઈંચ, કોડીનારમાં અડધો ઈંચ અને ગીરગઢડા તથા તાલાળામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

અમરેલી જિલ્લાના ખાંભા અને ધારીમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે અમરેલી, બગસરા, લીલીયા અને સાવરકુંડલામાં વરસાદી ઝાપટા પડયા છે.

કચ્છના નખત્રાણામાં પણ ઝાપટારૂપે ૫ મી.મી. વરસાદ પડયો છે.

(4:37 pm IST)