Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાણાગઢ ગામ દારૂ બંધ કરાવવા પોલીસમાં અરજી કરનાર પંચાયતના સભ્‍યને મારી નાખવાની ધમકી

સરપંચ, સભ્‍યો સહિત ગ્રામ પંચાયત વિખેરી નાખવાની ધમકી

વઢવાણ,તા. ૧૧ : લીંબડી તાલુકાના રાણાગઢ ગામે દારૂનો વેપલો બંધ કરાવવા પોલીસ મથકે અરજી કરનાર ગ્રામ પંચાયતના સભ્‍યને ગામના એક શખસે મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. અરજીઓ કરનાર સરપંચ, સદસ્‍યો અને ગ્રામ પંચાયતને વિખેરી નાખવાની જડકી આપનાર ઈસમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લીંબડી તાલુકાના રાણાગઢ ગામે રહેતા ગ્રામ પંચાયતના સભ્‍ય ભીખાભાઈ જાનાભાઈ સામતીયાએ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્‍યું કે મંગળવારે ગામનો રમેશ જીણા સામતીયા ઘરે આવી બોલાચાલી કરવા લાગ્‍યો કે તમે પંચાયતના સભ્‍યો દારૂ બંધ કરાવવા શું કામ અરજીઓ કરો છો? જો આવી અરજી કરવાની બંધ નહીં કરો તો મારી નાખવો પડશે. જેમ ચાલે છે તેમ ચાલવા દો નહીં તો સરપંચ, સભ્‍યો સાથે ગ્રામ પંચાયતને વિખેરી નાખવી પડશે. ગ્રામ પંચાયતના સરપંચ, સભ્‍યો અને હોદ્દેદારોની સલામતીને ધ્‍યાનમાં રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર રમેશ જીણા સામતીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(1:42 pm IST)