Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે : મોડીરાત્રે ભુજ એરપોર્ટ પર કરાયું ઉષ્માભર્યું સ્વાગત

અમિતભાઇ શાહ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભુજ ખાતે પહોંચ્યા

ભુજ : કચ્છ જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનારા સંમેલનમાં ભાગ લેવા માટે આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભુજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. જયાં તેમનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વ ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ગૃહ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, કલેકટર પ્રવિણા ડી.કે., પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘ અને અગ્રણી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

  સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમમાં સરહદી- વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો અને આગેવાનો સહભાગી થશે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, સ્વાસ્થય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે. અમિતભાઈ  શાહ ધોરડો ખાતે સરહદી ક્ષેત્રેના વિકાસોત્સવ 2020 કાર્યક્રમમાં તેઓ સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપશે.

(9:39 am IST)