Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કાલે જામનગર આયુર્વેદિક સંસ્થાનને નરેન્દ્રભાઇ દ્વારા રાષ્ટ્રીય દરજ્જો

ઇ-વિમોચન કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતજી, વિજયભાઇ રૂપાણી, નિતીનભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહેશેઃ ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ સહિત ૩ સંસ્થાનને ઇન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનો દરજ્જો આપતુ બિલ સંસદમાં પસાર થયું છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧ર : કાલે જામનગર આયુર્વેદિક સંસ્થાનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવશે.

આર્યુવેદનું કાશી ગણાતા જામનગરને દિવાળી પહેલા મોટી ભેટ મળવા જઇ રહી છે. જામનગરની રાજાશાહી વખતની આર્યુવેદિક સંસ્થાનને રાષ્ટ્રીય દરરજો મળવા જઇ રહ્યો છે.

ધનતેરસના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇ-વિમોચન કરશે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ સહિત ત્રણ સંસ્થાઓને ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદના દરજ્જો આપતું બિલ સંસદમાં પસાર થયા બાદ હવે આગામી ૧૩મી નવેમ્બરના રોજ પાંચમાં આયુર્વેદ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇન્સ્ટિટયુટ ઓફ ટીચીગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે આઇટીઆરએનું લોકાર્પણ વીડીયો કોન્ફરન્સ માધ્યમથી થવાનું છે. આ વેળાએ રાજયપાલ દેવવ્રત આચાર્ય, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, કેબીનેટ મંત્રી આરસી ફળદુ, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.  હાલમાં જામનગરના આર્યુવેદ સંસ્થાનને દિવાળી પહેલા જ ખુબ ગૌરવશાળી રાષ્ટ્રીય દરજ્જો આપવાની મહત્વની ઘડીઓ પહેલા જ કાલે જામનગરની આર્યુવેદ યુનિવર્સિટીમાં ગુજરાતના રાજયપાલ, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના કાર્યક્રર્મ પુર્વે ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠકનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે.

જામનગર, આર્યુવેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, ડો. અનુપ ઠાકરના જણાવ્યા પ્રમાણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ જામનગર ખાતે આવેલી એક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ એક એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે કે જયાં, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આર્યુવેદ વિષયના અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે આવી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાઓને રાષ્ટ્રીય દરજજો આપતું બિલ સંસદમાં પસાર થઇ ગયા બાદ હવે કાલે શુક્રવારના ધનતેરસના દિવસે રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં આયુર્વેદ યુનિવર્સિટી ખાતે નવા માળખાનું વડાપ્રધાન મોદી વીડીયો કોન્ફરસિંગથી હાજરી આપીને ઇ-લોકાર્પણ કરશે.

(10:56 am IST)