Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પોરબંદરમાં નવા પ્રોહીબીશન કાયદાના ગુન્હામાં પકડાયેલા ૩ વાહનો છોડી દેવા હાઈકોર્ટનો હુકમ

પોરબંદર, તા. ૧૨ :. અલગ અલગ પ્રોહીબીશન એકટના ગુન્હાઓમાં પકડાયેલા ત્રણ વાહનો હાઈકોર્ટે મુકત કર્યા છે.

કમલાબાગ પોલીસે કબ્જે કરેલ ભરત ગોગન કડછા, રહે. આદિત્યાણાવાળાની માલિકીની પ્યાગો રીક્ષા જેના રજી. નં. જીજે ૨૩યુ ૬૧૪૭ તેમજ કિર્તી મંદિર પોલીસ કબ્જે કરેલ. કિશોરભાઈ મોહનભાઈ કોટીયા રહે. પોરબંદરવાળાની માલિકીનં સ્પલેન્ડર મોટર સાયકલ જેના રજી. નં. જીજે ૨૫ આર ૬૬૨૯ અને વિશાલ અર્જુનભાઈ જુંગીની માલિકીનું મોટર સાયકલ જેના રજી. જીજે ૨૫ એસ ૧૧૫૩નું પ્રોહીબીશન એકટની કલમ ૯૮(૨) મુજબની જોગવાઈઓ મુજબ મુદ્દામાલ વાહનો તરીકે પોલીસ દ્વારા કબ્જે કરેલ હતા. જેથી વાહન માલિકો દ્વારા ટ્રાયલ કોર્ટોમાં મુદ્દામાલ વાહનો પરત મેળવવા અન્વયે અરજીઓ કરતા ટ્રાયલ કોર્ટે અરજદારોની અરજી ફગાવી દેતા અરજદારો દ્વારા પોરબંદરમાં ધારાશાસ્ત્રી અકબર એસ. સેલોત, મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અન્વયેની અરજીઓ કોર્ટ સમક્ષ રજુ કરી એવી રજૂઆત કરેલ. સદરહુ મુદ્દામાલ વાહન પોલીસે ખોટી રીતે કબ્જે કરેલ છે.

ખરેખર આ કામે પ્રોહીબીશન એકટની કલમ-૯૮(૨) લાગુ પડતી નથી. પ્રોહીબીશન કલમ-૯૯ લાગુ પડે છે કારણ કે સદરહું ગુન્હાના કામે અમો અરજદાર કોઈ તહોમતદાર કે આરોપી નથી. કબ્જે કરેલ દારૂના જથ્થા સાથે અમો અરજદારને કોઈ લેવા દેવા નથી અને હાલના આક્ષેપીત ગુન્હાના કામે પ્રોહીબીશન ૯૮(૨)ની કલમ લગાડી અમો અરજદારની માલિકીનું વાહન ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે અને હાલના કામે મુદ્દામાલ તરીકે કબ્જે લીધેલ મુદ્દામાલ વાહન કે જે અમો અરજદારની આજીવિકાનું એક માત્ર સાધન છે તેવુ જણાવી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વાહન છોડી આપવાની અરજ કરેલી.

ત્રણેય પક્ષકારો વતી દલીલ રજૂઆતો નામ. હાઈકોર્ટે સાંભળી અને રજુ થયેલ પુરાવાનું મૂલ્યાંક કરી અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ કરેલી રજૂઆતો ધ્યાને રાખી અરજદારની માલિકીના વાહનો વચગાળાની કસ્ટડીએ શરતોને આધીન છોડી મુકવાનો હુકમ કરેલ. અરજીદારો પક્ષે અમદાવાદના ઈમ્તીયાજ આ. મન્સુરી તેમજ પોરબંદરના યુવા ધારાશાસ્ત્રી અકબર એસ. સેલોત રોકાયા હતા.

(11:31 am IST)