Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જામકંડોરણાના રોઘેલના જમનભાઇને છેતરી રોણકીની પારકી જમીનનો બોગસ દસ્તાવેજ ઉભો કરી લેવાયો

જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ ફરાર થયેલા રમેશ રાણા મકવાણા સહિત ત્રણ સામે ગુનો : રોણકીમાં ૬ લાખમાં પ્લોટ અપાવી દેવાની લાલચ દઇ ૧ લાખ સાટાખત પેટે લઇ લીધાઃ એ પછી જમનભાઇના નામે બોગસ સાટાખત ઉભુ કરી પારકી જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરી લીધાઃ ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યોઃ રાજકોટ ડીસીબીની ટીમ જમનભાઇના ઘરે તપાસમાં ગઇ ત્યારે તેમને ઠગાઇ થઇ ગયાની ખબર પડી

રાજકોટ તા. ૧૨: અનેક ગુનાઓમાં સામેલ અને જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે પોલીસ પાર્ટીને ચકમો આપી ભાગી ગયેલા રમેશ રાણાભાઇ મકવાણા, કાલાવડ આણંદપરના તથા ધ્રોલના મળી ત્રણ શખ્સો વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્લોટના નામે જામકંડોરણા પંથકના રહેવાસી સાથે ઠગાઇ કરી તેના નામે રોણકીની કિંમતી જમીનનું બોગસ સાટાખત-ડોકયુમેન્ટ બનાવી લઇ મુળ માલિક પાસેથી પૈસા પડાવવાનું કારસ્તાન રચ્યાનો ગુનો દાખલ થયો છે.

પોલીસે આ બનાવમાં જામકંડોરણાના રોઘેલ ગામમાં રહેતાં અને ટ્રેકટર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જમનભાઇ ગાંગાભાઇ ચાવડા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ ગાયત્રી મંદિર સામે રહેતાં રમેશ રાણાભાઇ મકવાણા, કાલાવડના આણંદપરમાં રહેતાં હીરા પમાભાઇ સાગઠીયા અને ધ્રોલમાં રહેતાં જયરાજસિંહ ઉર્ફ જોલી મહિપતસિંહ રાણા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જમનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ટ્રેકટર ડ્રાઇવીંગ કરતો હતો તે વખતે સુપેડી ગામે રમેશ રાણાભાઇ મકવાણા ત્યાં અવાર-નવાર આવતો જતો હોઇ મારે તેની સાથે ઓળખાણ થઇ હતી. આ કારણે છેલ્લા દોઢ વર્ષથી હું તેને ઓળખુ છું. રાજકોટમાં મારે પ્લોટ ખરીદવો હોઇ અને રમેશ મકવાણા જમીન-મકાન લે-વેંચનું કામ કરતો હોઇ તેને મેં રાજકોટમાં પ્લોટ હોય તો બતાવવા કહ્યું હતું. જેથી તેણે ઓકટોબર-૨૦૧૯માં રમેશે મને ફોન કરી કાલાવડ રોડ ગાયત્રી મંદિર સામે તેની ઓફિસે આવવા કહેતાં હું ત્યાં ગયો હતો.

તે વખતે રમેશ સાથે અન્ય બે જણા હીરા સાગઠીયા અને જયરાજસિંહ ઉર્ફ જોલી રાણા પણ હતાં. રમેશે જણાવેલ કે હીરાભાઇની માલિકીની જમીન રોણકી ગામના સર્વે નંબરમાં આવેલી છે. તેમાં એક પ્લોટ તમને અપાવીશ. આ પછી મને રૂ. ૧ લાખ સાટાખતના આપવાનું કહેલુ અને બાકીના ૫ લાખ દસ્તાવેજ સમયે આપવાના રહેશે તેવું તેણે નક્કી કર્યુ હતું. મેં તેના પર વિશ્વાસ રાખી વાત થયા મુજબ એક લાખ બીજા દિવસે રમેશને તેની ઓફિસે આપ્યા હતાં. ત્યારે હીરા સાગઠીયા અને જયરાજસિંહ ઉર્ફ જોલી પણ હાજર હતાં.

રમેશે મારી પાસેથી મારા ડોકયુમેન્ટ લીધા હતાં અને જગ્યા ખુબ સારી છે, કસમાં પ્લોટ આ જગ્યાએ મળે જ નહિ તેમ કહી પ્લોટ જોવા લઇ ગયેલ. એ પછી સાટાખત ટાઇપ કરાવેલ અને મને વાંચવા આપ્યું હતું. પરંતુ મને વિશ્વાસ બેસી ગયો હોઇ મેં વાંચ્યુ નહોતું. ત્યારબાદ આ લોકો મને શાપર પોલીસ સ્ટેશન પાસેના એક કોમ્પલેક્ષમાં આવલી ઓફિસે લઇ ગયા હતાં. જ્યાં નોટરી પાસે સહીઓ કરાવી હતી. મેં સાટાખતના લખાણમાં સહીઓ કરી દીધી હતી. નોટરી થયા બાદ રમેશે મને જણાવેલ કે આ નોટરી સાટાખત અમારી પાસે રાખવાનું છે. જે તમે પુરા પૈસા આપો પછી દસ્તાવેજ કરતી સમયે તમામ કાગળો તમને આપશું. મેં વિશ્વાસ રાખી હા પાડી હતી. એ પછી મેં રમેશનો વારંવાર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપર્ક થયો નહોતો.

ત્યારબાદ મારા ઘરે ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસમાં આવી હતી. પોલીસે મારા વિશે ઘરમાં પુછ્યું હતું. પરંતુ હું ત્યારે હાજર નહોતો. પોલીસ શું કામ મારા ઘરે આવી હશે? તે બાબતે મેં મારી રીતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે રમેશ રાણાભાઇ મકવાણા, હીરા પમાભાઇ સાગઠીયા અને જયરાજસિંહ ઉર્ફ જોલી મહિપતસિંહ રાણાએ રાજકોટના રોણકી ગામની જમીનનો બોગસ બનાવટી કુલમુખત્યારનામુ બનાવી દસ્તાવેજ રજીસ્ટર કરાવી લીધો હતો. આ બોગસ બનાવટી દસ્તાવેજનું મારા નામે સાટાખત કરાવી લીધું છે અને મુળ માલિક પાસેથી પૈસા પડાવવા ગુનો આચર્યો છે.

મને પ્લોટ અપાવવાના બહાને મારી પાસેથી સાટાખત પેટે ૧ લાખ લઇ લીધા બાદ મારા નામે બોગસ દસ્તાવેજનું સાટાખત ઉભુ કરાવી લીધાની મને ખબર પડતાં મેં ડીસીબી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા સહિતે તપાસ શરૂ કરી છે.

રમેશ રાણાભાઇ જેલમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હોઇ અહિથી તે પોલીસ પાર્ટીને ચકમો આપી ભાગી ગયો હતો. જે હજુ ફરાર છે. તેના સહિત ત્રણેય આરોપીઓને શોધવા દોડધામ શરૂ થઇ છે.

૧૧ સપ્ટેમ્બરે સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો રમેશઃ હજુ પણ ફરાર

લૂંટ, જમીન કોૈભાંડ સહિતના ગુનાઓમાં રમેશની સંડોવણી છે. તે મુળ પડધરીના નાની અમરેલીનો વતની છે અને હાલ રાજકોટમાં રહે છે. ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ તેને રાજકોટ જેલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહિથી રજા અપાયા બાદ સિવિલના જાહેર શોૈચાલયથી થોડે દૂર ઉભેલી પોલીસવેન સુધી પહોંચવા પોતાના ભાણેજના સ્કૂટરમાં લિફટ લીધી હતી. પગમાં તકલીફ હોઇ ચાલી શકત ન હોવાથી ફરજ પરના પોલીસે તેને સ્કૂટરમાં બેસવાની છુટ આપી હતી. પરંતુ ભાણેજ રમેશને લઇ પોલીસવેન સુધી પહોંચવાને બદલે સિવિલના ગેઇટમાંથી બહાર નીકળી ગયો હતો. આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં રમેશ અને તેના ભાણેજ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. તાજેતરમાં જ રમેશ રાણાને નાના મવાના સરપંચ મયુર શિંગાળાની હત્યામાં શંકાનો લાભ મળ્યો હતો.

(11:40 am IST)