Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ખંભાળીયામાં ૧પ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ-વચેટીયો ઝડપાયા

ક્રિકેટના સટ્ટા બાબતે લાંચની રકમ મોબાઇલની દુકાનમાં વચેટીયાને આપવાનું કહેતા એસીબી ટીમ ત્રાટકીઃ પોલીસ કર્મચારીના ઘરે પણ તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૨ :. ખંભાળિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ એસીબીના છટકામાં સપડાઈ જતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળિયા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડે ખંભાળિયાના જ એક ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સ પાસેથી મીઠી નજર રાખવા માટે રૂ. ૧૫૦૦૦ની લાંચ માગી હતી. જે આઈપીએલ પુરો થયા પછી આ લાંચની રકમ આપવાનું જણાવતા નક્કી થયેલી રકમ નગર ગેઈટ પાસે આવેલી મોબાઈલની દુકાને રાખવાની હોય આથી અરજદારે આ બાબતે એસીબીમાં જાણ કરતા રાજકોટ એસીબીના ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ દ્વારકા-જામનગર જિલ્લા એસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.ડી. પરમાર સહિતના સ્ટાફે છટકુ ગોઠવ્યુ હતુ. ગત સાંજે અરજદારે પો. કોન્સ. યોગેન્દ્રસિંહ રાઠોડને પૈસા આપવા માટે ફોન કરતા પૈસા નગર ગેઈટ પાસે આવેલી મોબાઈલની દુકાનમાં આપી દેવા માટેનુ જણાવ્યુ હતું. આથી અરજદારે લાંચની રકમ રૂ. ૧૫૦૦૦ કોન્સ્ટેબલને આપવાની હોય તે મોબાઈલની દુકાને આપવા જતા કોન્સ્ટેબલ વતી લાંચ સ્વીકારી પૈસા આવી ગયા હોવાનો ફોન કરતા એસીબીએ લાંચની રકમ સાથે વચેટીયા શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા પોતાનું નામ દેવ અમિતભાઈ જોષી (ઉ.વ. ૧૮) અને વારાહી ચોક જોશીના ડેલામાં રહેતો હોવાનું અને આ પૈસા કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાઠોડ વતી લીધા હોવાનું જણાવતા તેની અટકાયત કરી પો. કોન્સ.ને પણ ઝડપી લઈ એસીબી ઓફિસે લઈ જવાયા હતા. જ્યાં પૂછપરછમાં આ રકમમાં અન્ય બે પોલીસકર્મીનો ભાગ હોવાનું જણાવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. લાંચમાં સપડાયેલા પોલીસકર્મીના ઘરે પણ એસીબીએ સર્ચ હાથ ધર્યુ હતુ. તેમજ અન્ય બે પોલીસકર્મીઓની સંડોવણી અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ યોગેન્દ્રસિંહ લોકડાઉન સમયે વેપારીઓને તમાકુના વેચાણ બાબતે પણ કનડગત કરી દંડનીય કાર્યવારી કરતા હતા અને પોલીસ બેડામાં પણ ચર્ચાસ્પદ હોવાનું જાણવા મળ્યુ છે.

(11:43 am IST)