Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પોરબંદર હરિમંદિરમાં દર્શન ખુલ્યા

પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં દિપાવલી મહોત્સવઃ સરકારની ગાઇડ લાઇન મુજબ સેનીટાઇઝ થઇ માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર : પોરબંદરમાં પૂજય ભાઇશ્રી દ્વારા સંસ્થાપિત સાંદીપની વિદ્યાનિકેતનમાં હરિમંદિરના કપાટ આજે તા.૧ર ગુરૂવારના રોજ દર્શનાર્થીઓ માટે ફરીથી ખુલ્લી રહ્યા છે. આ કોવિડ ૧૯ ના સમયમાં દરેક દર્શનાર્થીઓને સાવધાની રાખીને અને નિયમનું પાલન કરીને શ્રીહરિના દર્શને આવવાનું જણાવવામાં આવ્યું છે.

કોવિડ ૧૯ ની મહામારીના કારણે માર્ચ મહિનામાં જયારે પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે હરિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે હરી મંદિરના કપાટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન હરી મંદિરમાં રહેલા તમામ વિગ્રહોની સેવા ઋષિકુમારો દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી હતી તેમજ પ્રતિદિન સાથે આરતી સંદીપની ટીવી ફેસબુક પણ લાઇવ કરવામાં આવી હતી જે આજ સુધી કરવામાં આવે છે.

દિવાળીના પર્વની શ્રેણીમાં શ્રીહરિ મંદિરમાં વિવિધ મંગલમય મનોરથ પૂજય ભાઇશ્રીના પવાન સાન્નિધ્યમાં આ પ્રમાણે છે. * ધનતેરસ, તા. ૧૩ શુક્રવારના સાંજે ૬-૦૦ વાગ્યે દીપદાન કરવામાં આવશે. શયન આરતી સાંજે ૭-૦૦ વાગ્યે અને ભૈરવજીની પૂજા રાત્રે ૮-૦૦થી ૮-૩૦ દરમ્યાન સંપન્ન થશે.

* દીપાવલી-રૂપચતુર્દશી, ૧૪ શનિવારના સાંજે પૂજય ભાઇશ્રી દ્વારા હરિ અને માતા લક્ષ્મીજીનું સહસ્ત્રકમળ અને તુલસીપત્ર દ્વાર પૂજન થશે. શયન આરતી સાંજે ૭-૦૦ વાગ્યે અને ત્યારબાદ દીપાવલી ઉત્સવ ૭-૩૦ વાગ્યે સંપન્ન થશે. જયારે આતશબાજી રાત્રે ૮-૦૦ વાગ્યે થશે.

*નૂતનવર્ષ અન્નકુટ-ધાન્યકુટ, તા. ૧પ રવિવારના રોજ સંપન્ન થશે. આ દિવસે સવારે ૭-૩૦ વાગ્યે મંગલા આરતીનું સાંદિપની ટીવી પર લાઇવ પ્રસારણ થશે. જયારે અન્નકુટ-ધાન્યકુટના દર્શનનો લાભ સવારે ૮-૦૦થી સાંજે ૮-૦૦ સુધી લઇ શકાશે અને અન્નકુટની આરતી પૂજય ભાઇશ્રી દ્વારા મધ્યાહ્નમાં ૧ર-૦૦ વાગ્યે સંપન્ન થશે.

નૂતનવર્ષના દિવસે શ્રીહરિ મંદિરમાં હરિને અન્નકુટ સમર્પિત કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે પૂજય ભાઇશ્રીની પ્રેરણા અને તેઓના શુભ સંકલ્પ અનુસાર આ વર્ષે શ્રીહરિને મનોરથ સ્વરૂપે અન્નકુટ અર્પણ કરીને વિશેષ રૂપે ધાન્યકુટ અર્પણ કરવામાં આવશે. ધાન્યકુટ શ્રીહરિને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપ જરૂરીયાતમંદ લોકોને વિતરીત કરવામાં આવશે. દીપાવલીના સર્વે મંગલમય પર્વોના મનોરથ-દર્શનનો આપ સૌ નિયમપાલન કરીને લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(12:35 pm IST)