Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પોરબંદરની ૫ સહિત ૧૦ ફિશીંગ બોટો દરિયામાં નો-ફિશીંગ ઝોનમાં માછીમારી કરતા ઝડપાઇ

ફિશરીઝ વિભાગ દ્વારા તમામના લાયસન્સ રદ્દ કરવા તજવીજ : બેથી વધુ વખત પકડાયેલી બે બોટના ડીઝલ કાર્ડ રદ્દ કરાશે

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૨ : દરિયામાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન તથા નો ફિશીંગ ઝોનમાં ફિશીંગ કરતી પોરબંદરની ૫ ફિશીંગ બોટો તથા સૌરાષ્ટ્રના અન્ય બંદરોની ૫ ફિશીંગ બોટો એમ કુલ ૧૦ ફિશીંગ બોટોને કોસ્ટ ગાર્ડે પકડીને કાર્યવાહી માટે ફિશરીઝ વિભાગને સોંપી છે. પકડાયેલી આ તમામ ફિશીંગ બોટના લાયસન્સ રદ્દ કરવા તજવીજ શરૂ થઇ છે.

દરિયામાં નો ફિશીંગ ઝોન નજીક માછીમારી કરતી કૃશાંગ દિનેશ ગોસીયાની રામદેવજી નામની બોટ, વર્ષાબેન માધવજી મોતીવરસની કૃષ્ણકૃપા નં. ૩ બોટ, માધવજી કાનજી જુંગીની રાઘવ બોટ, દિક્ષીત માધવજી મોતીવરસની વિનય સાગર બોટ તેમજ સુરેશ ધનજી લોઢારીની શુભ પાલઘર બોટ પકડાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં કૃષ્ણકૃપા નં. ૩ નામની બોટ ૨ વખત તેમજ વિનય સાગર નામની બોટ ૩ વખત પકડાઇ છે જેથી તેમના ડિઝલ કાર્ડ કાયમી ધોરણે રદ્દ કરાશે. નો ફિશીંગ ઝોનમાં માછીમારી નહીં કરવા માછીમારોને સૂચના અપાય છે તેમ મદદનીશ ફિશરીઝ નિયામક વી.કે.ગોહેલે જણાવેલ છે.  નો ફિશીંગ ઝોનમાં પોરબંદરની ૫ ફિશીંગ બોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય બંદરોની ઝડપાયેલી ૫ ફિશીંગ બોટોને જે તે જિલ્લા પ્રશાસનને કાર્યવાહી માટે મોકલી અપાઇ છે.

(12:41 pm IST)