Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કેન્દ્ર સરકારે અંતરિયાળ સરહદી ગામડાઓને વિકાસ સાથે જોડ્યા છે: અમિતભાઈ શાહ : રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચુંટણી પુર્વે અમિતભાઈએ આપ્યો સૌનો સાથ સૌનો વિકાસનો સંદેશ

(વિનોદ ગાલા દ્વારા:::ભુજ) કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહની મુખ્ય ઉપસ્થિતિમાં કચ્છના રણમાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ યોજાઈ ગયો. પોતાના પ્રવચનના પ્રારંભે અમિતભાઈએ સ્પષ્ટ શબ્દોમાંં જણાવ્યું હતુ કે, દેશની સુરક્ષા માટે કેન્દ્રની મોદી સરકાર મક્કમ છે, સર્જીકલ સ્ટ્રાઇક અને પુલવામા પછીની સૌને ખબર છે. ગુજરાતના આ સીમાંત કાર્યક્રમની શરુઆત સાથે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી તરીકે હું દેશની ૧૫ હજાર કિલોમિટરની સરહદનો પ્રવાસ કરીશું. કેટલાક વક્ર દ્રષ્ટા નેતાઓ ભાજપની મોદી સરકારની ટીકા કરે છે તેમને દેશની જનતાએ બિહારની ચુંટણી અને મધ્યપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની વિધાનસભાની પેટા ચુંટણીઓએ જવાબ આપી દીધો છે. ગુજરાતના ત્રણ સરહદી જિલ્લાઓ સરહદી તાલુકાઓના સરપંચ, જીલ્લા, તાલુકા પંચાયત સભ્યો, સાંસદો, ધારાસભ્યો  સાથે ગૃહમંત્રી અમિતભાઈએ વાર્તાલાપ કર્યો હતો. અમિતભાઈએ જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ ચાલતા સરહદી વિસ્તારના વિકાસ કાર્યક્રમ અંતર્ગત અંતરિયાળ વિસ્તાર માટે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. સૌનો સાથ સૌનો વિકાસ એ સુત્રને સાથે રહીને સરકાર ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને સરહદે આવેલા અંતરિયાળ ગામોને વિકાસ સાથે જોડવા ઉપર ખાસ ધ્યાન અપાયું છે. આપણા દેશને પાકિસ્તાન સાથે જોડતી ગુજરાતની રણ સરહદ ઉપર આવેલા ત્રણ જિલ્લાઓ સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠાની વાત કરીએ કેન્દ્ર સરકારે  સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ અહીં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્યાન ત્રણ જિલ્લાના સરહદી તાલુકાના ૧૫૮ જેટલા અંતરિયાળ ગામોમાં વિવિધ વિકાસ કાર્યો માટે ગામોમાં કુલ ૧૯૩ કરોડથીયે વધુ ખર્ચ કર્યો છે. રોડ રસ્તા, પીવાનુ પાણી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેતીવાડી સાથે સંકળાયેલા ક્ષેત્રો, કોમ્યુનિટિ સેન્ટર, કૌશલ્ય ક્ષમતા વર્ધન, સુલભ શૌચાલય, સ્કુલ બિલ્ડિંગ, લાયબ્રેરી, શિક્ષકો માટે ઘર, મોડેલ વિલેજ, દવાખાના, પશુપાલન, મોબાઈલ મીડીયા તે ઉપરાંત અન્ય જરૂરી સુવિધાઓ ઉભી કરાઈ છે. કાર્યક્રમમાં કેન્દ્રના ગ્રામ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,જ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહીત અન્ય મહાનુભાવો મુખ્ય સચિવ અનિલ મુકીમ, ડીજી ગુજરાત આશિષ ભાટિયા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(2:39 pm IST)