Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વીરપુરમાં પૂ. જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના ૨૦૧ વર્ષ પૂર્ણ

આ ઉપરાંત ગાદીપતિ પૂ. જયસુખરામબાપા દ્વારા મંદિરમાં દાન કે ભેટ સ્વીકારવાનું બંધ કર્યાને આજે ૨૧ વર્ષ પૂર્ણ થયા

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ),તા. ૧૩: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ યાત્રાધામ વીરપુર જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેંટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવાતા સદાવ્રતને આજે એકવીસ તેમજ પૂજય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા હતા.

શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર પૂજય જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજય જયસુખરામ બાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાત સ્વીકારવામાં નહિ આવે. આવો 'ન ભૂતો ન ભવિષ્યતિ' કહી શકાય તેવા નિર્ણયને એકવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ઘાળુઓએ પૂજય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. છતાંય હજુ વિરપુરમાં મંદિર દ્વારા પહેલાની જેમ જ સદાવ્રત ચાલી રહ્યું છે.

વિશ્વભરમાં અલગ-અલગ સંપ્રદાયો દ્વારા ચલાવતા સદાવ્રતો માટે આ એક અજબની મિસાલ છે.

પૂજય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલ અસંખ્ય ભકતોએ પોત પોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. જલારામબાપા અને માતૃશ્રી વિરબાઇમાંએ ૨૦૧ વર્ષ પહેલા સદાવ્રત શરૂ કર્યું હતું. જેને આજે ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.

(10:17 am IST)