Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મતદાન જાગૃતિ અર્થે ભાવનગરના શિક્ષકોએ બનાવ્‍યું ઇ.વી.એમ.નું આબેહૂબ રેત ચિત્ર

૭ શિક્ષકો દ્વારા ૪ કલાકની જહેમત બાદ તૈયાર ૧૦ હજારથી વધુ લોકોએ નિહાળ્‍યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : આગામી સમયમાં યોજાનાર  ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી ભાવનગરના શિક્ષકોએ રાજયની સૌપ્રથમ એવી સેન્‍ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે.જેમાં કોળિયાકના દરિયાકાંઠે સતત ચાર કલાકની જહેમત બાદ ઇ.વી.એમ. મશીનનું આબેહૂબ સેન્‍ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરી સહેલાણીઓના નિદર્શન અર્થે મુકયું હતું. આ રેત ચિત્રને ૧૦ હજાર થી પણ વધુ લોકોએ નિહાળ્‍યું હતું અને મતદાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવી માહિતગાર થયા હતા. આમ ભાવનગર તથા સમગ્ર રાજયમાં સૌપ્રથમ વખત ઇ.વી.એમ.નું રેત ચિત્ર તૈયાર કરી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની દિશામાં એક અનુકરણીય પહેલ કરવામાં આવી હતી. સાથે સાથે કોળિયાક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સિગ્નેચર કેમ્‍પઈનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં એક હજારથી પણ વધુ લોકો પોતાના હસ્‍તાક્ષર કરી મતદાન કરવા સંકલ્‍પબદ્ધ થયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્‍યાસ, એજયુકેશન ઇન્‍સ્‍પેકટર એમ.આર.પાંડે, ચિત્રકાર અશોકભાઈ પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

(10:49 am IST)