Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

મોરબીમાં બિલ્ડર્સ અને કોન્ટ્રાકટરો દ્વારા સ્ટીલ-સિમેન્ટના વધતા ભાવોના વિરોધમાં હડતાલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૩ : ગુજરાત રાજ્યમાં ચાલતા વિકાસ કામોમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ અને અન્ય મટીરીયલ્સના ભાવોમાં અસહ્ય વધારો થયો હોય જેના વિરોધમાં ગઇકાલે મોરબી બિલ્ડર્સ એસો અને મોરબી કોન્ટ્રાકટર્સ એસો દ્વારા એક દિવસ હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ આવેદન પાઠવવામાં આવ્યું હતું

 આ અંગે અપાયેલ આવેદનમાં જણાવ્યું છે કે સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપની દ્વારા કાર્ટેલ કરી ભાવોમાં અવારનવાર વધારો કરાય છે. તાજેતરમાં સિમેન્ટમાં ૨૫ ટકા અને સ્ટીલમાં ૫૦ ટકા જેટલો ભાવવધારો ઝીકવામાં આવ્યો છે જેથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિપરીત અસર પડી રહી છે જેના વિરોધમાં રાજ્યના તમામ બિલ્ડર કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે અને આવેદન પાઠવ્યું હતું જેમાં મોરબી જીલ્લા બિલ્ડર્સ એસોના પ્રમુખ ભરતભાઈ બોપલીયાના માર્ગદર્શન હેઠળ મોરબીના બિલ્ડરો તેમજ કોન્ટ્રાકટર એસોના રમેશભાઈ જાકાસણીયાના માર્ગદર્શન હેઠળ  બિલ્ડરો અને કોન્ટ્રાકટરો બંધમાં જોડાયા હતા બાંધકામ સાઈટ બંધ રાખી સિમેન્ટ અને સ્ટીલ માટે કોઈ ઓર્ડર લખાવ્યા ન  હતા તેમજ સરકારને રજૂઆત કરી હતી કે સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદકો સામે સરકાર લાલ આંખ કરી ભાવોને કાબુમાં લે તે જરૂરી છે નહિ તો વિકાસ કાર્યો અટકી જશે બાંધકામ ક્ષેત્રમાં ૬૦ લાખ લોકો રોજગારી મેળવી રહયા છે પરંતુ અસહ્ય ભાવવધારાથી બેરોજગારી વધશે

 જેથી સિમેન્ટ અને સ્ટીલ ભાવોને કાબુમાં રાખવા સરકારે રેગ્યુલેટરી ઓથોરીટીની રચના કરવી જોઈએ અને ભાવવધારાને નિયંત્રણ કરવા જરૂરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:27 am IST)