Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયાની આજે જન્‍મ જયંતિ

લોકસભામાં ૪ વખત ચુંટાઇ વિક્રમ સર્જનાર ભાવનાબેનની યાદ આજે પણ પ્રજામાં અટલ- આજથી ડો.ડી.પી. ચિખલીયા તેમની સ્‍મૃતિમાં ૧ વર્ષ સુધી નિઃશુલ્‍ક નિદાન કરશે

(વિનુ જોષી દ્વારા), જુનાગઢ, તા.૧૩: જુનાગઢના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ભાવનાબેન ચિખલીયાની આજે ૬૬મી જન્‍મ જયંતિ છે.

તા.૧૪/૨/૧૯૫૫માં રાજકોટ જીલ્લાના દેવળકી ગામે જન્‍મેલ ભાવનાબેન બીકોમ સુધી અભ્‍યાસ કરી ૩૫ વર્ષની નાની વયે ગુજરાતમાં જુનાગઢ લોકસભા મત વિસ્‍તારમાં સતત ૪ વખત સાસંદ તરીકે ચુંટાવાનો વિક્રમ સર્જેલ તેમજ અટલ બિહારીજીની સરકારમાં કેન્‍દ્રમાં પ્રવાસન અને સાંસ્‍કૃતિક મંત્રી તરીકે સેવા આપેલ.

તેઓ જુનાગઢના અગત્‍યના કામો બ્રોડગેજ રેલ્‍વે લાઈન સોમનાથ મંદિરમાં લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો ગિરનાર રોપ-વેના અનેક યાદગાર કાર્યો કરાવ્‍યા છે. તેમજ કુશાભાઉજી ઠાકરે ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ સાથે પાર્ટીના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે સેવા આપેલ રેલ્‍વે કન્‍સલ્‍ટેટીવ કમીટીના પ્રમુખ તરીકે કેન્‍દ્ર સરકારમાં પરામર્શ કમીટીમાં સેવા બજાવેલ.

તેમજ ગુજરાત રાજય સહકારી ક્ષેત્રમાં રાજયના હાઉસિંગમાં સૌથી લાંબો સમય અંત સુધી પ્રમુખ સ્‍થાને રહ્યા અને ઉપરાંત જીલ્લા સહકારી બેંકમાં ડાયરેકટર તરીકે સેવા આપેલ તા.૨૮/૬/૨૦૧૩ના રોજ આ ફાની દુનિયાને અલવિદા કરનાર લોકપ્રિય અને સરળ સ્‍વભાવના ભાવનાબેનની સુવાસ આજે પણ અમીટ રહી છે. ભાવનાબેન અને ડો.ડી.પી. ચિખલીયાના પુત્ર શૌનક અને પુત્રવધુ તુલસી અમેરિકામાં સંઘ પરિવાર સાથે જોડાઈ તેઓ પણ રાષ્‍ટ્ર સેવા આપી રહ્યા છે.

આજે ભાવનાબેનની ૬૬મી જન્‍મજયંતિ નિમિતે તેમના પતિદેવ સેવાભાવી ડો.ડી.પી. ચિખલીયાએ તેમની સ્‍મૃતિમાં આજથી ત્રિમુર્તિ હોસ્‍પિટલ ખાતે દર્દીઓને સાંજે ૬ થી ૮ વાગ્‍યા સુધી દરરોજ નિઃશુલ્‍ક નિદાન એક વર્ષ સુધી કરવાની અને સેવાકીય પ્રવૃતિ કરવાની જાહેરાત કરી હતી. ડો.દેવરાજ ચિખલીયા દ્વારા ભાવનાબેનની સ્‍મૃતિમાં અનેક સેવાકીય કાર્યો આજે પણ કરવામાં આવી રહ્યા છે.

(1:36 pm IST)