Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોરબીની સ્થિતિની નોંધ લેતી હાઇકોર્ટ : લેબ શરૂ થવાની તૈયારીમાં

જિલ્લામાં ૧૬૦થી વધુ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર : ઘુંટુ કોવીડ કેર સેન્ટરમાં ૫૦ બેડ વધારાયા

આજથી કાર્યરત થનાર RT-PCR લેબની મુલાકાતે મેરજા : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની મોરબીની મુલાકાત દરમ્યાન આ લેબ અતિ આવશ્યક હોવાથી તેમણે કરેલ જાહેરાત મુજબ આ RT-PCR લેબ તુરત જ શરુ થાય તે માટે તેનું સતત ફોલોઅપ છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ લીધું હતું. આથી હવે RT-PCR રિપોર્ટ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેની લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે.સાથોસાથ લેબોરેટરીની મુલાકાત દરમ્યાન ડો.અરુણભાઈ ટાંક, ડો. હિમાધ્રીબેન અને ડો. શૈલીબેને જણાવ્યું હતું કે આ લેબોરેટરી પ્રારંભિક તબ્બકે ૫૦ થી લઈ ૧૫૦૦ પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવતી લેબોરેટરી આવતી કાલે કાર્યરત થનાર છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : કોરોના મહામારીમાં મોરબીમાં ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાનું હાઇકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો રિટમાં નોંધી ગુજરાતની રૂપાણી સરકારની કોર્ટે બરાબરની જાટકણી કાઢી હતી.

રાજયમાં દિવસેને દિવસે વણસી રહેલી કોરોનાની સ્થિતિની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી અને રાજય સરકારને તાકીદ કરતા સૂચનો કર્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીશ વિક્રમનાથ અને જસ્ટીશ ભાર્ગવ કારીયાની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆતો કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે જણાવ્યુ હતુ કે અત્યારે લોકો ભગવાન ભરોસે છે. લોકોને સરકાર ઉપર વિશ્વાસ નથી તેથી લોકોમાં વિશ્વાસ જગાડો. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ એવુ કહેતા હાઈકોર્ટે ઉમેર્યુ હતુ રાજયમાં બેડ છે, ઈન્જેકશન છે, ઓકિસજન છે છતા ૪૦ – ૪૦ એમ્બ્યુલન્સની લાઈનો કેમ લાગે છે ?

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્ફોટક સ્થિતિ અંગે હાથ ધરાયેલ સુઓમોટો રિટની સુનાવણીમાં નામદાર હાઇકોર્ટ દ્વારા મોરબી જિલ્લાની પરિસ્થિતિની પણ ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું અને રાજયમાં માત્ર પાંચ મોટા શહેરો જ નહીં પણ મોરબી, મહેસાણા સહિતના અન્ય શહેરોમાં દર્દીઓની હાલત ખરાબ હોવાના મુદ્દાઓ હાઇકોર્ટ દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવ્યા છે.

સીએમ દ્વારા ૪૮ કલાકમાં કાર્યરત થશે તે દાવો ખોટો પડયો

મોરબીમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બનતા રાજયના મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ મોરબી દોડી આવ્યા હતા અને મોરબીમાં કોરોના લેબ ૪૮ કલાકમાં કાર્યરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે ૪૮ કલાકમાં લેબ કાર્યરત થઇ સકી નથી છતાં લેબ બનાવવાની કામગીરી સારી ચાલતી હોય તેમ કહી સકાય

મોરબીની સિવિલ હોસ્પિટલમાં RTPCR લેબની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને મોરબીમાં કોરોના ટેસ્ટીંગ લેબ કાર્યરત થવાથી મોરબીના દર્દીઓને ઘણો ફાયદો થશે હાલ રાજકોટ કે અમદાવાદ રીપોર્ટ મોકલવા પડે છે જયાંથી રીપોર્ટ આવતા ઘણો સમય વેડફાય છે જેથી દર્દીની સારવાર શરૂ કરી શકાતી નથી જયારે મોરબીમાં લેબ કાર્યરત થવાથી રીપોર્ટ વહેલા આવી જશે અને દર્દીની ટ્રીટમેન્ટ જલ્દી શરૂ થતા દર્દીને બચાવી શકાશે.

કોવીડની મહામારીને પહોંચી વળવા તેમજ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ રાજય સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી આવા સ્થાનો પર વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા જોખમાય નહીં તે હેતુથી તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

જિલ્લા કલેકટર જે.બી પટેલ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ તેમજ રાજય સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીમાં સમયાંતરે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કોવીડ-૧૯ નું સંક્રમણ વધુ છે તેવા મોરબી જિલ્લાના અંદાજે ૧૬૦થી વધારે વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. જે આગામી ૧૪ દિવસ સુધી અમલી રહે છે. આ હુકમ કે જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ હેઠળ તથા ભારતીય ફોજદારી નું કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

મોરબીમાં ગત વર્ષે જ કોરોના મહામારી વકરતા ઘૂટું ગામ પાસે આવેલ સરકારી પોલી ટેકિનકલ કોલેજમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ કોરોના અંકુશમાં આવતા અને દર્દીઓ ઘટવાથી ઘૂટું ગામ પાસેનું કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓમાં ઉછાળોઆવતાઘૂટું ગામ પાસેનું કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાને લઈને હવે આ કોવિડ કેર સેન્ટરમાં ૫૦બેડનો વધારો કરવામાં આવ્યો છે. તેથી,હવે કુલ ૧૦૦બેડનીસુવીધાથઈ છે.

સતવારા સમાજ દ્વારા ૫૦ બેડનું કોવીડ આઇસોલેશન સેન્ટર

મોરબીમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો ફૂલ થઇ ગઈ હોય ત્યારે વિવિધ સમાજ દ્વારા કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવી રહ્યા છે જેમાં અગાઉ પાટીદાર, રઘુવંશી સમાજ અને સંસ્થાઓ બાદ હવે સતવારા સમાજ દ્વારા ૫૦ બેડનું કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે

 જે કોરોના કેર સેન્ટરમાં દાખલ થનાર દર્દીએ કોરોના પોઝીટીવ રીપોર્ટ, સીટી સ્કેન રીપોર્ટ, દર્દીની અને તેના સગાની આધાર કાર્ડની ઝેરોક્ષ, ડોકટરને બતાવ્યું હોય તો તેના કાગળો, જરૂરી લેબોરેટરીના રિપોર્ટ સાથે લાવવાના રહેશે. મોરબી સતવારા સમાજના જે લોકોને ઘરે કવોરંટાઇન થવાની સગવડ ના હોય અને જે દર્દીઓને ડોકટર દ્વારા ઘરે આઇસોલેટ થવાનું સુચન કરવામાં આવે છે તેવા દર્દીઓના શુભ હિતાર્થે આ આયોજન કરવામાં આવેલ છે.

કોરોના કેર સેન્ટરના પ્રારંભ પ્રસંગે ડો. ઇશાન કંઝારીયા, ડો. હિતેષ કંઝારીયા, ડો.પ્રદીપ ડાભી, ડો.કલ્પના સોનગ્રા, ડો. મહેશ ડાભી, ડો. ભાવેશ પરમાર, ડો. ઉમેશ નકુમ, ડો. પરેશ ડાભી, ડો. ગણેશ નકુમ અને ડો. દિપાર્થ કંઝારીયા સાથે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર અને સહયોગી મંડળના પ્રમુખ મેરુભાઇ કંઝારીયા, સામાજીક આગેવાનોમા ભાવેશભાઇ કંઝારીયા, વિજયભાઇ સતવારા, રમેશભાઇ પરમાર, દિનેશભાઇ પરમાર, પ્રભુભાઇ હડિયલ, કાનજીભાઇ નકુમ, રોહિતભાઇ કંઝારીયા, પ્રવિણભાઇ સોનગ્રા, ખોડાભાઇ ડાભી, રાજુભાઇ કંઝારીયા, રણછોડભાઇ ડાભી મનસુખભાઇ નકુમ વગેરે કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

(11:39 am IST)