Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

હળવદમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે જિલ્લા પ્રભારી મનીષા ચંદ્રાની મુલાકાત

કોરોનાના આતંકના કારણે દર્દીઓની નાજુક પરિસ્થિતિ છતાં તંત્ર હજુ મિટીંગોમાં જ વ્યસ્ત

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૩ : તાલુકાભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિ વચ્ચે હળવદની ગઇકાલે જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજીને હળવદના કોરોનાની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. જો કે કોરોનાના આંતકના કારણે દર્દીઓની નાજુક પરિસ્થિતિ છતાં તંત્ર હજુ મીટીંગોમાં જ વ્યસ્ત હોવાનો તાલ સર્જાયો હતો.

હળવદમાં કોરોનાના કહેરને પગલે મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા ગઈકાલે હળવદ દોડી ગયા હતા. અને તેઓની હળવદના સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ અને ધારાસભ્ય સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓએ હળવદ કોરોનાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ તકે જિલ્લા પ્રભારી મનીષા ચંદ્રાએ મીડિયાને કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. બાદમાં તેઓએ હળવદની સરકારી દવાખાના ની મુલાકાત કરી હતી. ત્યારે હળવદની સરકારી દવાખાનાના અધિક્ષકે હાલમાં દર્દીઓનો સતત ઉછાળો આવતા તેમની સારવારને પહોંચી વળવા યોગ્ય વ્યવસ્થા ની વાત કરી હતી. જયારે હાલ કોરોના સામે લોકો લાચાર હોય ત્યારે નક્કર કાર્યવાહી કરવાની બદલે હજુ તંત્ર મીટીંગોના તાયફામાંથી ઊંચું આવતું નથી.

(10:36 am IST)