Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મોરબીમાં મૃતદેહોની અંતિમવિધિ માટે પણ વેઇટીંગ : વધુ પાંચના મોત

સ્‍મશાન ગૃહ અને કબ્રસ્‍તાનોમાં કતાર લાગતા શરમજનક : જિંદગીની સાથે મોત પણ લાચાર : ૧૦ દિ'માં ૫૦૦ને અગ્નિદાહ : ૪ દિ'માં ૪૫ની દફનવિધિ : તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ડાભી, નિવૃત્ત પોલીસમેન જાડેજા, રણછોડગઢના ભાજપના નેહાબેન તથા કાર્યપાલક ઇજનેર સોલંકીનો કોરોનાએ લીધો ભોગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબીમાં કોરોનાએ જીવિત વ્‍યક્‍તિઓને લાઈનમાં લગાવ્‍યા બાદ હવે અંતિમવિધિમાં પણ સ્‍મશાન અને કબ્રસ્‍તાનમાં લાઈનો લાગી છે. આ અત્‍યંત ગંભીર બાબત સરકાર માટે શરમજનક છે. દેશ માટે શરમજનક છે. સ્‍થાનિક તંત્ર માટે શરમજનક છે. મોરબીના સ્‍મશાનો અને કબ્રસ્‍તાનોની હકીકત તપાસતા પીડાદાયક સ્‍થિતિ સામે આવી છે.

જેમાં મહામારીનો ભયાવહ ચહેરો સામે આવ્‍યો છે. લીલાપર રોડ પર સ્‍થિત વિદ્યુત-ગેસ સ્‍મશાન ખાતે જાણવા મળ્‍યા મુજબ એકથી દસ તારીખ સુધીમાં આશરે ૧૦૦ મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો. અહીં એક ગેસ ભઠ્ઠી માત્ર કોવિડ સંક્રમિત દર્દીઓના થયેલા અવસાન માટે જ અલાયદી રાખવામાં આવી છે. બન્ને ભઠ્ઠીમાં થઈને રોજ સરેરાશ ૧૫થી ૧૭ મૃતદેહોને અંતિમ મંજિલ સુધી પહોંચાડવામાં આવે છે.

જયારે સુન્ની કબ્રસ્‍તાનમાં સેવારત ફારૂખ કલાડીયાએ જણાવ્‍યું હતું કે, એક મૈયતની દફનવિધિ પુરી ન થઈ હોય ત્‍યાં અન્‍ય મૈયત માટે ફોન આવી જાય છે. આ કબ્રસ્‍તાનમાં કોવિડથી અવસાન થયેલા મર્હુમ માટે અલાયદી જગ્‍યા ફાળવવામાં આવી છે. છેલ્લા ૪ દિવસોમાં અહીં ૪૫થી વધુ મૈયત આવી ગઈ છે. મુસ્‍લિમ સમુદાયમાં મૈયતને વધુ સમય સુધી રાખી મુકવાને લઈને અશુભ માનવામાં આવે છે. પણ હાલની પરિસ્‍થિતિને કારણે મૈયતને થોડો સમય રાખી મુકવાની નોબત આવી છે. કબર ખોદવા માટે પર્યાપ્ત સમય મળે ન મળે ત્‍યાં અન્‍ય મૈયત આવી ગઈ હોવાનું ફારૂખભાઈએ જણાવ્‍યું હતું.

સામાંકાંઠે વેજીટેબલ રોડ પર આવેલા સ્‍મશાન ખાતે ટ્રસ્‍ટી ડો. ડી.એસ. પટેલે જણાવ્‍યું હતું કે, કોરોનાની મહામારી પહેલા રોજની સરેરાશ એકાદી ડેડબોડી આવતી હતી. જોકે હવે કોરોનાની બીજી લ્‍હેર દરમ્‍યાન આ આંકડો ૧૨થી ૧૫ પહોંચ્‍યો છે. જે પૈકી ૭થી ૮ મૃતદેહો કોરોનાને કારણે અવસાન થયેલા હોય છે.

પંચમુખી હનુમાન ચેરીટેબલ ટ્રસ્‍ટ શબવાહીની સેવા પૂરી પાડે છે. જેમના સદસ્‍યએ જણાવ્‍યું હતું કે, ગત મહિને તેઓએ ૨૩ મૃતદેહોને અંતિમ મંજિલ સુધી પહોંચાડ્‍યા હતા. જયારે આ ચાલુ માસ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં ૬૫ મૃતદેહો તેઓ સ્‍મશાનઘાટ ખાતે લાવી ચુક્‍યા છે. રોજના સરેરાશ ૯થી ૧૦ ફેરા તેઓ હાલ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્‍યું હતું અને ઉમેર્યું હતું કે, સરકારી ગાઈડલાઇન્‍સ હોવા છતાં અંતિમયાત્રામાં વધુ લોકો જોડાય છે. જે ખરેખર ભયાવહ સ્‍થિતિનું નિર્માણ કરે છે. ઉપરોક્‍ત સ્‍મશાનમાં હાલ અગ્નિદાહ દેવા માટે લાકડાનો જથ્‍થો જૂજ માત્રામાં બચ્‍યો હોય ૫થી ૭ ગાડી લાકડાની વ્‍યવસ્‍થા થઈ શકે તો થોડી રાહત રહે તેવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

જયારે વિશીપરા ફાટક અંદર આવેલા મહાદેવ સ્‍મશાન ગૃહની હાલત પણ વિકટ છે. ઓછી કેપેસિટી ધરાવતા આ સ્‍મશાનઘાટમાં અગાઉ અઠવાડિયે ૨થી ૩ મૃતદેહો અંતિમવિધિ માટે આવતા હતા જે હાલ રોજના ૪થી ૫ના સરેરાશથી આવી રહ્યા છે. ઘણી વખત અહીં પણ વેઇટિંગ જેવી સ્‍થિતિ નિર્માણ થાય છે. જેના પરથી સમજી શકાય છે કે કોરોનાકાળમાં મૃત્‍યુઆંક ઊંચો ગયો છે. સરકાર સ્‍વીકારે કે ન સ્‍વીકારે પણ આ વાસ્‍તવિકતા છે જે યુદ્ધ સમાન સ્‍થિતિનું નિર્માણ થયું હોવાનું ચોક્કસ સૂચવી જાય છે. ત્‍યારે લોકો કામ વગર ઘર બહાર ન નીકળે તેમાં જ સમજદારી હોવાનું અત્‍યારનો સમય બતાવી રહ્યો છે.

કોરોનાનો કહેર યથાવત

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્‍થિતિની વચ્‍ચે આજે પણ સરકારી ચોપડે માત્ર ૪૮ કેસ જ દર્શાવ્‍યાછે.

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્‍યાર સુધીમાં કુલ ૪૦૪૭ કેસમાંથી ૩૪૦૩ સાજા થયા, જયારે આજે વધુ ૫ દર્દીના મૃત્‍યુ સાથે કુલ ૨૬૮ના મોત, એક્‍ટિવ કેસ વધીને ૩૭૫ થયા

મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્‍થિતિ વચ્‍ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્‍યો છે. જયારે ભાજપે પણ તેના રેપીડ ટેસ્‍ટ કેમ્‍પમાં કેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવયા તે આંકડો જાહેર કરવાનું બંધ કરી દીધુ છે. જયારે આરોગ્‍ય વિભાગે ૧૨ એપ્રિલ, સોમવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્‍ય વિભાગ દ્વારા કુલ ૩૧૫૧ લોકોના કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાથી માત્ર કુલ ૪૮ વ્‍યક્‍તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્‍યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્‍તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્‍યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્‍કેન સેન્‍ટરો અને હોસ્‍પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્‍તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્‍યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્‍યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્‍યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્‍પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્‍યા નથી.

મોરબીમાં કોરોનાના હાહાકાર વચ્‍ચે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, મોરબીના નિવૃત પોલીસ કર્મચારી, હળવદ તાલુકા પંચાયતના રણછોડગઢ બેઠકના ભાજપના મહિલા સદસ્‍ય અને મોરબી પાણી પુરવઠા કચેરીના ઇજનેરનું કોરોના મહામારી વચ્‍ચે નિધન થતા તમામના પરિવારજનો અને સ્‍નેહીજનોમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગી અગ્રણી નાથાભાઇ ડાભીનું કોરોના મહામારી વચ્‍ચે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. એ જ મોરબીના નિવૃત્ત પોલીસ કર્મચારી મહિપતસિંહ છનુભા જાડેજા કોરોના પોઝિટિવ આવ્‍યા બાદ જામનગર સારવારમાં જામનગર ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન મૃત્‍યુ નીપજયું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને તાજેતરમાં જ રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી ચૂંટણી લડી વિજેતા બનેલા નેહાબેન સિહોરા કોરોનાથી સંક્રમિત થતા તેઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્‍યા હતા જયાં સારવાર દરમિયાન આજે તેમનું મોત નિપજયું હોવાનું જાણવા મળ્‍યું છે નેહાબેનના મૃત્‍યુના સમાચારને પગલે રણછોડગઢ ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

દરમિયાન મોરબી પાણી પુરવઠા બોર્ડ કચેરીમાં કાર્ય પાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા પી.એ.સોલંકીનું પણ કોરોના સારવાર દરમિયાન મૃત્‍યુ નીપજયું હોવાનું જાણવા મળ્‍યું છે.

મોરબીની સિવિલ હોસ્‍પિટલમાં કોરોના મહામારીને પગલે ટ્રાફિક ખુબ વધી જવા પામ્‍યુ હોય ત્‍યારે ફલુ ઓપીડીમાં તાત્‍કાલિક પોલીસ બંદોબસ્‍ત મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

કોરોના મહામારી વચ્‍ચે મોરબી સિવિલ હોસ્‍પિટલ ઓછા સ્‍ટાફ છતાં જનતાની સુખાકારી માટે દિવસ - રાત્રિ જોયા વગર ફરજ પરનો સ્‍ટાફ તનતોડ મહેનત કરી રહો છે. પરંતુ હાલ સિવીલ હોસ્‍પિટલ હોય કે ખાનગી હોસ્‍પિટલ હોય જયાં જોવો ત્‍યાં દર્દીઓનો ટ્રાફિક હોય જેથી દર્દીને તપાસવા તેમજ દાખલ કરવા જેવા નજીવા પ્રશ્ને દર્દીઓના સગા વ્‍હાલા કે અન્‍ય જોડે આવેલા લોકો દ્વારા પોતાની ઈમ્‍પ્રેસન જમાવવા માટે ફરજ પરના સ્‍ટાફ સાથે અણછાજતું વર્તન કરી ફરજ પરના સ્‍ટાફનું મોરલ તોડવા પ્રયાસ કરી રહા છે. જે અશોભનીય હોય જેથી મોરબી સિવીલ હોસ્‍પિટલમાં કોરોના માટે કાર્યરત કરવામાં આવેલ ફલુ ઓપીડીમાં સવારે ૮ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી ચાર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને યોગ્‍ય વ્‍યવસ્‍થા માટે બંદોબસ્‍તમાં મુકવા જરૂરી હોય આ બાબતે તાત્‍કાલિક ધટતુ કરી ફલુ ઓપીડીમાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવી યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા જીલ્લા કલેકટર, પોલીસ વડા સહિતના અઘિકારીઓને રજુઆત કરવામાં આવી છે.

પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરો

મોરબીમાં કોરોના મહામારી ને પહોંચી વડવા માટે મોરબી સિવીલ હોસ્‍પિટલના ગ્રાઉન્‍ડ ફલોરમાં ફલુ ઓપીડી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ હોસ્‍પિટલ તંત્ર દ્વારા ફરજ પરના સ્‍ટાફ અને દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ જ વ્‍યવસ્‍થા કરવામાં આવી નથી. જેથી દર્દીઓ ને ભારે હાલાકી પડી રહી છે. અને ના છુટકે બહાર થી વેચાતું પાણી લેવા જવું પડી રહ્યું હોય જેથી તાત્‍કાલિક પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવા જરૂરી છે.

(11:31 am IST)