Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કેશોદમાં શનિ-રવિ બે દિવસ કોઇપણ આકરા નિયંત્રણ વગર સ્વયંભુ લોકડાઉન સફળ રહેતા તંત્ર તથા લોકોમાં રાહત

ગત વર્ષે સરકારી નિયંત્રણ વચ્ચે સતત ૪૩ દિ' સંપૂર્ણ લોકડાઉન રહ્યા બાદ ચાલુ વર્ષે પ્રથમ વખત સ્વયંભુ બંધ : કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારી અને સેવાકીય સંગઠનોની અપીલ બાદ વેપારીઓએ સતત બે દિ' કામ ધંધાથી પર રહી, દુકાનો બંધ પાળી પરિવાર સાથે ઘરમાં જ સમય વિતાવ્યોઃ સ્વયંભુ નિર્ણયના કારણે વેપારીઓના માથે બંધ અંગેનું કોઇ ભારણ નહીઃ લોકોમાં શિસ્ત અને જાગૃતતાના કારણે સ્થાનીક તંત્ર પણ રહ્યુ ટેન્શન મુકત

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૩ : લગભગ છેલ્લા એક વર્ષેથી વિદેશમાંથી આવી ભારતમાં પગ પેસારો કરનાર કોરોના વાઇરસે અહીં જ મુકામ કરી લેતા ઉદભાવેલ મહામારીની સ્થિતિને જાકારો આપવા સરકાર તથા લોકો કટીબધ્ધ બનેલ છે. સતત ફેલાઇ  મોંઘવારી અને મંદીના ઉભા થયેલ સંજોગો વચ્ચે એક તરફ લોકોની રોજી-રોટીનો તો બીજી તરફ આરોગ્યનો સવાલ ઉભો થયેલ છે. આ સ્થિતિમાં આરોગ્યને ધ્યાને લઇ ધંધા-રોજગારને આંશીક રીતે બ્રેક મારવાનો લોકોએ સ્વયંભુ નિર્ણય  લેવાની ફરજ પડી રહેલ છે.

કોરોના સંક્રમણને અટકાવવા ગત શુક્રવારે સાંજે વેપારી અને સેવાકીય સંગઠનોએ કરેલ અપીલના પગલે ગત શનિ અને રવિ બે  દિવસ માટે શહેરના તમામ વેપારીઓએ સજજડ રીતે પોતાની દુકાનો બંધ પાળેલ હતી. આ બંધમાં રહેણાંક વિસ્તારના ધંધાર્થીઓ પણ જોડાયા હતાં.

શનિ-રવિ બે દિવસ સુધી સતત ઘરમાં જ રહી એક વર્ષ બાદ ફરી એક વખત વેપારીઓ સહિતના લોકોએ પરિવાર સાથે સમય વિતાવેલ હતો. આ દરમિયાન કેટલાય લોકોએ ગત વર્ષે થયેલ ૪૩ દિવસના લોકડાઉનની યાદ તાજી કરેલ હતી.

જો કે ગત વર્ષમાં લોકડાઉનની સરખામણીમાં ચાલુ વર્ષે, બે દિવસના બંધ  રહેલ કોરોના સંક્રમણને અટકાવવા લગભગ એક વર્ષ બાદ ફરી એક વખત ગત શનિ અને રવિવાર દરમ્યાન અન્ય કોઇપણ આકરા નિમંત્રણ વગર બે દિવસ માટે સ્વયંભુ લોકડાઉન સફળ રહેતા લોકો તથા તંત્ર વાહકોમાં મહદઅંશે રાહત જણાઇ હતી.

કોરોના મહામારીની સ્થિતિ ને કાબુમાં લેવા માટે ગત વર્ષે રર માર્ચ ર૦ર૦ થી ૩ મે ર૦ર૦ સુધી સંપૂર્ણ સરકારી નિમંત્રણો વચ્ચે સતત ૪૩ દિવસ (લગભગ દોઢ માસ) સુધી સંપૂર્ણ લોકડાઉનની અમલવારી કરાવી સતત વહેતા વાણીજય પ્રવાહકને બ્રેક લાગેલ હતી. સતત દોઢ મહીના જેવા સંપૂર્ણ લોકડાઉન ના અનુભવો પ્રત્યેક વ્યકિત માટે અભુતપુર્વ રહેલ હતાં.

દરમિયાન હાલ કોરોના વાઇરસ ફરી એક વખત ફુંફાડો મારતા અને કોરોના કેસના પ્રતિદિન ઉતરોતર વધારો થતાં હોસ્પીટલો દર્દીઓથી ભરચક બનતા લોકો સ્તબ્ધ બનેલ છે.

આ સ્થિતિ વચ્ચે દરમિયાન ચાલુ વર્ષે  બંધ અંગેનું લોકોમાં ટેન્શન ઓછુ જોવા મળેલ હતું. જેનું કારણ એક માત્ર એ હતું કે વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધનો નિર્ણય લેવામાં આવેલ હતો. બંધ અંગે કોઇ સરકારી નિયંત્રણો લાદવામાં આવેલ ન હોઇ પરિણામે  વેપારીઓના માથાપર કોઇ ભારણ જણાતુ ન હતું.

જીવન આવશ્યકતમાં આવતી અનાજ - કરીયાણાની દુકાનો પણ સતત બે દિવસ બંધ રહેલ હતી. જરૂરી કામ સબબ જ લોકો બહાર નિકળતા જોવા મળેલ હતાં. બંધના કારણે ચારચોક, માંગરોળ રોડ, કાપડ બજાર, શરદ ચોક, જુનાગઢ - વેરાવળ રોડ, સોની બજાર, શાક માર્કેટ રોડ સહિતની મુખ્ય બજારો સુમસામ ભાસી રહેલ હતી.

ઉદભવેલ સ્થિતિ સામે લોકોમાં જોવા મળેલ સ્વયંભુ  શિસ્ત અને જાગૃતતાના કારણે સ્થાનીક પોલીસ સહિત સબંધીત તંત્ર  વાહકો ટેન્શન મુકત જોવા મળેલ હતાં.

(11:37 am IST)