Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સોરઠમાં કોરોનાનો આતંકઃ શીલ પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇ સહિત ૬ પોલીસ કર્મી સંક્રમિત

જુનાગઢ જિલ્લામાં સંક્રમણ સતત વધતાં ચિંતાનાં વાદળા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. સોરઠમાં કોરોનાએ આતંક મચાવવાનું યથાવત રાખી શીલ પોલીસ સ્ટેશનને ઝપટમાં લેતા મહિલા પીએસઆઇ સહિત ૬ પોલીસ કર્મી સંક્રમિત થયા હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહયા હોય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોમવારે જિલ્લામાં ૮૭ ને કોરોના પોઝીટીવ આવ્યો હતો.

નવા ૮૭ કેસમાં જુનાગઢ શહેરનાં ૪૩ કેસ છે. જયારે જૂનાગઢ તાલુકાનાં પાંચ, કેશોદ-૮, ભેસાણ-બે, માળીયા હાટીના-૮, માણાવદર-૬, મેંદરડા-૪, માંગરોળ-૩ અને વંથલી -બે તેમજ વિસાવદર તાલુકાનાં ૬ કોરોના પોઝીટીવ કેસનો સમાવેશ થાય છે.

જયારે ૧પ દર્દી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

દરમ્યાન કોરોનાએ માંગરોળનાં શીલ પોલીસ સ્ટેશનમાં પણ પગ પેસારો કર્યો છે. મહિલા પીએસઆઇ વી. કે. ઉંજીયા તેમજ એક મહિલા પોલીસ જમાદાર સહિત છ પોલીસ કર્મીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તમામ હોમ આઇસોલેટ થયા છે.

શીલનાં પીએસઆઇ વિવિધ ઉંજીયા સહિતનાં સ્ટાફે ચોરીનાં બે આરોપીને પકડયા હતાં. બંનેની ધરપકડ અગાઉ બંનેનાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા નેગેટીવ રીપોર્ટ આવેલ.

આ પછી શીલ પોલીસે બંને તસ્કરને સાથે રાખીને તપાસ-પુછપરછ હાથ ધરી હતી. બાદમાં બંનેને માંગરોળ સબ જેલ હવાલે કરવામાં આવેલ. પરંતુ આ દરમ્યાન બંને તસ્કરોને સબ જેલમાંથી હોસ્પિટલ લઇ જવાતા બંનેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ.

આ દરમ્યાન પીએસઆઇ ઉંજીયા વગેરેનો પણ રીપોર્ટ કરાવવામાં આવતાં પીએસઆઇ વિધીબેન ઉંજીયા તેમજ મહિલા પોલીસ જમાદાર સહિત છ પોલીસ કર્મી સંક્રમિત થયા હોવાનું માલુમ પડયુ હતું.

હાલ આ તમામ પોલીસ સ્ટાફ હોમ આઇસોલેટ થયેલ છે અને તમામની તબીયત  સુધારા પર છે.

બે તસ્કરને કારણે કોરોનાએ પગ પેસારો કરતાં શીલ પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવેલ આમ કોરોનાએ તેનો આતંક યથાવત રાખતાં લોકોમાં ડર અને ફફડાટ વધી ગયો છે.

(11:40 am IST)