Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કોરોનાના કઠીન સમયમાં જુનાગઢ જિલ્લાના બાગાયતકારોને રૂ. ૯ કરોડની સહાય ચૂકવાઇ

નવા ફળ પાકોના વાવેતર મીની ટ્રેકટર પાવર ટીલર સહિતના લાભ અપાયા

જૂનાગઢ તા.૧૦ કોરોનાના કઠીન સમયમાં જૂનાગઢ જિલ્લાના બાગાયતકાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ૯ કરોડ ૩૨ લાખની વિવિધ સહાય ચુકવવામાં આવી છે. બાગાયત વિભાગ દ્વારા બાગાયતકાર ખેડૂતોને આ સાધન સહાય ચુકવવામાં આવે છે.

આ સહાયમાં ફળપાક, મસાલા પાક, ફુલની ખેતી માટે, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસ ઉભા કરવા ચુકવવામાં આવે છે. ઉપરાંત ખેતીકામ માટે મીની ટ્રેકટર ખરીદવા, પાવર ટીલર, નવા ફળ પાકનુ વાવેતર, બાગાયત પાકના નવા પ્રોસેસીંગ હાઉસ ઉભા કરવા, પેકીંગ મટીરીયલ્સ તૈયાર કરવા તેમજ મધમાખી પાલન સહિતની બાબતો અંગે બાગાયત ખાતા દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર નિયત સમયમાંઅરજી કરવાથી સહાય ચૂકવવામાં આવે છે.જુદી-જુદી યોજનામાં ચુકવાતી સહાયની વિગતો જોઇએ તો સંકલીત બાગાયત વિકાસ કાર્યક્રમ અંતર્ગત ૧૯૭૯ લાભાર્થીને રૂ.૨૪૫ લાખ ખાસ અંગભુત યોજના તળે ૨૯૩ લાભાર્થીને રૂ.૨૮.૩૭ લાખ, ગુજરાત હોર્ટીકલ્ચર મિશન હેઠળ ૨૫૭૯ લાભાર્થીને રૂ.૫૫૨.૩૪ લાખ, નેશનલ મિશન ઓન સસ્ટનેબલ એગ્રીકલ્ચર માટે રૂ.૨૦ લાખ તેમજ નાના ફળ અને શાકભાજીના વેચાણકારોને વિના મુલ્યે છત્રી આપવા ૨૬૩૫ લાભાર્થીને રૂ.૩૫.૪૭ લાખની સાધન સહાય આપવામાં આવી હોવાનું નાયબ બાગાયત નિયામક કચેરી જૂનાગઢ દ્વારા જણાવાયું છે.

નવા ૮ સેન્ટરો ટેસ્ટીંગ માટે કાર્યરત

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના અર્બન સેન્ટર ઉપરાંત વધારાના નવા ૮ સેન્ટરો કોરોનાં ટેસ્ટિંગ માટે શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા થોડા દિવસોથી કોરોના વાઇરસને બીજો વેવ શરૂ થયો છે. ત્યારે હાલ શરદી-ઉધરસ-તાવ તેમજ કોરોનાના અન્ય કોઇ પણ લક્ષણ ધરાવતા નાગરિકો માટે કોરોના ટેસ્ટીંગ માટે ૮ નિશુલ્ક ટેસ્ટીંગ સેન્ટર કાર્યરત કરાયા છે.

આ સેન્ટરમાં તાલુકા સેવા સદન બાજુમાં વોર્ડ-૧૫ ઓફિસ, સીએચસી સેન્ટર, ટીંબાવડી ઝોનલ ઓફિસની બાજુમાં, ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, શ્રીનગર સોસાયટી, મધુરમ શીવમ પાર્ટી પ્લોટ, ઝાંઝરડા રોડ, પટેલ સમાજવાડી (કયાડા વાડી), જોષીપરા, સાઇબાબા મંદિર, ઝાંઝરડા રોડ, કામેર્લ કોન્વેટ સ્કુલ, ગાંધીગ્રામ ખાતે સવારે ૯ થી સાંજે ૬ (બપોરના ૨ થી ૩ સીવાય) સુધી વિનામૂલ્ય કોવિડ-૧૯ કોરોના ટેસ્ટીંગ ની સુવિધા નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

(12:50 pm IST)