Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આતંકી હુમલાની ધમકીના પગલે શ્રી સોમનાથ મંદિરે સુરક્ષા બંદોબસ્‍ત

વેરાવળ-પ્રભાસ પાટણ : ગુજરાત રાજયમાં અલકાયદા આતંકી હુમલાની દહેશતના પગલે સોમનાથ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા નાઓની સૂચનાથી ડી.વાય.એસ.પી સોમનાથ સુરક્ષા, પી.આઈ પ્રભાસપાટણ પોલીસ સ્‍ટેશન તથા સ્‍ટેટ આઈબીના અધિકારી દ્વારા સોમનાથ મંદિર તથા મંદિર પરિસરની સુરક્ષામાં વધારો કરી સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવામાં આવી છે. સોમનાથ મંદિરમાં કડક સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવાઈ તમામ ચીજવસ્‍તુઓ સહિત યાત્રિકોનું પણ ચેકીંગ થઇ રહ્યુ છે.  જિલ્લાના અન્‍ય જાહેર સ્‍થળો તેમજ આંતર જિલ્લા ચેકપોસ્‍ટ પર સુરક્ષા સઘન બનાવાઈ છે. મંદિરમાં પ્રવેશ વખતે માલ સમાન બહાર રાખવાની વ્‍યવસ્‍થા કરાઈ તેમજ મંદિરમાં અંદર લઇ જવાતા પ્રસાદ અને પૂજાની સમગ્રીનું પણ સઘન ચેકીંગ હાથ ધરાયું છે. સોમનાથ મંદિરમા રાખવામા આવેલ BDDS ટીમ તથા ડોગ સ્‍કોડ તથા ક્‍યુઆરટી ટીમ દ્વારા મંદિર પરિસર તથા મંદિર પરિસરની આજુબાજુમા આવેલ હોટલો,ગેસ્‍ટ હાઉસ તેમજ સોમનાથ રેલવે સ્‍ટેશન,બસ સ્‍ટેશન,વોલ્‍ક વે, રામમંદિર,હમીરજી સર્કલ,ત્રીવેણી ઘાટ,રેલવે સ્‍ટેશન, બસ સ્‍ટેશન જેવા સ્‍થળો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ થઇ રહ્યુ છે. સોમનાથમાં સમગ્ર શહેરમાં નેત્રમ સીસીટીવી થી તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. (તસ્‍વીર-અહેવાલ : મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય -દિપક કક્કડ -વેરાવળ-પ્રભાસ પાટણ) 

(10:07 am IST)