Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નવી-જુની મેંગણીમાં ર થી અઢી, ગોંડલ પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ સાંજના સમયે જામતો વરસાદી માહોલઃ આખો દિવસ અસહ્ય ઉકળાટ યથાવતઃ ધુપ-છાંવનો માહોલ

રાજકોટ તા.૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે. અને દરરોજ સાંજના સમયે મેઘાવી માહોલ જામી જાય છે અને કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે.

ગઇકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો આજે સવારથી ધુપ-છાંવનો માહોલ બરકરાર છે. અને અસહ્ય ઉકળાટ અનુભવાય છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : કોટડાસાંગાણી પંથકમાં વાતાવરણ પલાટાયા બાદ નવી જુની મેંગણીમાં ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ પડતા નથવી મેંગણીની નદીમાં પુર આવ્યા હતા.

દેરડા

ગોંડલ પંથકમાં દિવસભરના અસહ્ય બાફરા બાદ સાંજે હવામાન પલટાયુ હતું. વિજળીના કડાકા ભડાકા વચ્ચે ભારે પવન ફુંકાયો હતો. પંથકના સુલતાનપુર વિજીવડ દેરડી નાના મોટા સખપરમાં એક દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ગોંડલમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

પડધરી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરીઃ પડધરી અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ અસહ્ય બફારા અને ગરમી બાદ બપોરના ૪ વાગ્યાના સમયે વાતાવરણમાં અચાનક પલટી આવતાની સાથે જ પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા શરૂ થયેલ.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  આજનું હવામાન ૩પ.૬ મહત્તમ ર૮.૭ લઘુતમ ૭૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે અને જુદા જુદા વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસી જાય છે કાલેે પણ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી પરેશાન લોકોને આ વરસાદથી ટાઢક મળી છે.

    આજ સાંજના સમયે રાજકોટ ,જામજોધપુર ગ્રામ્ય વિસ્તાર , મોટી પાનેલી , શાપર વેરાવળ ,કાગવડ ખોડલધામ ,લોધીકા , મેટોડા સહિતના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે.

રાજકોટ શહેરમાં પણ આખો દિવસ વાદળા અને તડકા વાળું વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે મેઘાવી માહોલ જામ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર ૅંૅં

જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે.તાલુકાના શેઠવડાળા , ઘુનડા સહિત ના ગામોમાં વરસાદ પડ્યો છે ભોજાબેડી , કલ્યાણપુર ગામે પણ વરસાદ ની પધરામણી થઈ છે.વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયા હતા.ખેતરોમાં પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે.

ખીરસરા

(ભીખુપરી ગોસાઈ દ્વારા)ખીરસરૉંૅંૅં રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ચીભડા વાગુદડ મેટોડા સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

બગસરા

(દર્શન ઠાકર દ્વારા) બગસરા :  બગસરામાં કાલે બપોર બાદ સાંજના ૪ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો આશરે અડધો કલાકમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સિઝન ના પ્રથમ વરસાદ નો લોકોએ આનંદ માણ્યો હતો. વરસાદને કારણે બપોરના ગરમ વાતાવરણમાં ઠંડક થઈ હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બજાણા અને આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતા. ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણના પલ્ટો આવ્યો હતો. વરસાદી ઝાપટા પડતા બાળકોમાં ખુશી લહેર પ્રસરી હતી. વરસાદી વાતાવરણ થી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા):  વડિયાઃ જૂન મહિના ના પ્રારંભ થી જ ગરમી સાથે તીવ્ર બફારા નો પ્રારંભ જોવા મળે છે. એ વરસાદ ના બંધારણ નુ સૂચન કરતો હોય છે ત્યાર બાદ વરસાદ ના આગમન ની રાહ જોવાતી હોય છે. સામાન્ય રીતે ૧૫જૂન આસપાસ વરસાદ નુ આગમન થતુ હોય છે. અમરેલી ના વડિયા મ રવિવારે બપોર બાદ વીજળી ના કડાકા સાથે ધોધમાર વરસાદ નુ આગમન થતા સમગ્ર વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી. તો ધોધમાર પ્રથમ વરસાદ મા બાળકો એ નાહવા નો ભરપૂર આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા.૩૫મિમિ જેટલાં ધોધમાર વરસાદ થી ખેડૂતો મા પણ વાવણી લાયક વરસાદ થી ખુશી જોવા મળી હતી જયારે ગરમી અને બાફરા થી રાહત સાથે વાતાવરણ મા પણ ઠંડક પ્રસરતા લોકોને પણ ગરમી થી રાહત મળી હતી. તો બીજી બાજુ વડિયાની શેરીઓમાં પણ પાણી પાણી જોવા મળ્યું હતુ.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢના વરસાદનું જોરદાર ઝાપટુ વરસ્યો હતું. જેના કારણે વાતાવરણમાં થોડીવાર માટે ઠંડક પ્રસરી ગઇ હતી. આખો દિવસ ધુપ-છાવવાળુ વાતાવરણ રહ્યા બાદ બપોરના ત્રણ વાગ્યા આસપાસ વરસાદ વરસ્યો હતો અને થોડીવાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટ : જસદણ ડોડીયાળા ગામે ખેતરમાં પાણી ભરાયા સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી ચાર વાગ્યા પછી વાદળો ઘેરાયા અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો.

વીરપુર જલારામ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) : રાજ્યમાં જાણે ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ હોય તેમ સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારની અંદર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પણ આજે સવારથી જ અસહ્ય બફારા અને ગરમી બાદ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ની સાથે જ વીરપુર જલારામ ધામમાં તેમજ આસપાસના પંથકના વિસ્તારોમા ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

 ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીરપુરના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા જેમને લઈને ગરમીથી લોકોને રાહત મેળવી હતી તો બીજી તરફ સામાન્ય રીતે જગતના તાત ખેડૂતોએ ભીમ અગિયારસ પછીના સમયે આગોતરા વાવણીના શ્રી ગણેશ કર્યા હોય છે તેમના માટે આજે ધોધમાર વરસેલા પ્રથમ વરસાદે ખેડૂતોમાં તેમજ લોકોમાં ખુશીની લાગણીઓ પ્રસરાવી દીધી હતી.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી કાલે સાંજના સમયે સાંજના સમયે મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરતા નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી જવા પામી હતી . છેલ્લા થોડા દિવસો સુધી ભયંકર ગરમી અને બફારા બાદ મેઘરાજાના મંડાણ થાય તેવી શક્યતાઓ જણાતી હતી.

જયારે આજે સાંજે ૬ કલાકે નગરજનોને ગરમી અને બફારાથી મુકિત મળી હતી અને મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરતા બાળકો ધાબા ઉપર વરસાદી સ્નાાન કરવા માટે ઝુમી ઉઠયા હતા તેમજ ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

(11:44 am IST)