Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો અને હળવદનાં સુંદરીભવાનીમાં દિવાલ પડી : ૩નો ભોગ લેવાતા અરેરાટી

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૩ : તાલુકાના સુંદરીભવાની ગામે રવિવારે સાંજના સમયે આભ ફાટ્‍યું હોય તેવી સ્‍થિતિમાં ભારે પવન અને ગાજવીજ સાથે પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા એક વાડીએ એક ઢાળીયુંᅠ બનાવવા માટે જે દીવાલ બનાવી હોઈ તેᅠ દીવાલ પડી જતા તેનીᅠ હેઠળ દટાઈ જવા થી એક મહિલા સહિત એક જ પરિવારના ત્રણ - ત્રણ સભ્‍યોના મૃત્‍યુ નિપજયા હતા. જો કે, આ કરૂણ ઘટનાની જાણકારી હોવા છતાં પણ તરત મામલતદાર સુંદરીભવાની ગામે ન પહોંચ્‍યા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.

હળવદથી અંદાજે ત્રીસ કિલોમીટર દૂરᅠ અને તાલુકાનું છેલ્લું ગામ એટલે સુંદરીભવાનીᅠ ગામે રવિવારેᅠ સાંજે કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. વાતવરણમાં અચાનક આવેલ પલટા બાદ આભ ફાટ્‍યું હોય તેવી સ્‍થિતિ વચ્‍ચે ભારે પવન અને ગાજવીજ સાથે એક સામટો પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા સુંદરીભવાની ગામે વાડીમાં કામ કરતા છેલાભાઈ ગફલભાઈ દેગામા, વાઘજીભાઈ ગફલભાઈ દેગામા અનેᅠ રાજુબેન વાઘજીભાઇᅠ વરસાદથી બચવા વાડીએ આવેલ પશુ બાંધવાના એકᅠ ઢાળીયાનીᅠ દીવાલ પાસે દોડી ગયા હતા અને આ દીવાલ ભારે વરસાદમાં ધસી પડતા દીવાલ હેઠળ દબાઈ જતા ત્રણેયના મૃત્‍યુ નીપજયું હતું.

ઉલ્લેખનીય છે કે, સુંદરીભવાની ગામે વાદળ ફાટવા જેવી સ્‍થિતિ વચ્‍ચે પાંચથી સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા હળવદથી સુંદરીભવાની ગામે જવાના તમામ રસ્‍તાઓના નાલા પુલિયા અને વોકળામાં પુર જેવી સ્‍થિતિમાં પાણી વહી રહ્યા હતા અને જે સ્‍થળે દુર્ઘટના ઘટી એ વાડીએ પહોંચવા માટે કેડ સમાણા પાણીમાં જવું પડે તેવી સ્‍થિતિ પાંચ કલાક બાદ હોવાના અહેવાલ હતા . સુંદરીભવાની ગામે સર્જાયેલ આ કરુણ ઘટનાના કલાકો બાદ સ્‍થાનિક અને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતની જાણ થતાᅠ તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્‍થળે દોડી ગયા હતા. જો કે આવી કુદરતી આપતી વેળાએ જેમને પહેલા જવાની ફરજ છે તેવા હળવદ તાલુકા મામલતદારᅠ ઘટના સ્‍થળે કલાકો વીતી ગયા છતાં પણ પહોંચ્‍યા ન હોવાનુંᅠ ગામ લોકો એ જણાવ્‍યું હતું. વાઘજીભાઇ અને રાજુબેનને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે જયારે છેલાભાઈને એક દીકરી હોવાનું જાણવા મળે છે.

(11:46 am IST)