Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કલ્‍યાણપુર પંથકની યુવતીને ફેક આઇડી બનાવીને પરેશાન કરતા નાંદુરીના શખ્‍સ સામે ગુનો

ધરાર પ્રેમી એવા લાલપુર તાલુકાના શખ્‍સે મારી નાખવાની ધમકી આપી

ખંભાળિયા,તા. ૧૩: કલ્‍યાણપુર તાલુકામાં રહેતી વીસ વર્ષીય એક વિદ્યાર્થીનીને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના રહીશ મિલન નારણભાઈ વરુ નામના શખ્‍સ સાથે મિત્રતા હોય, આ શખ્‍સ દ્વારા વિદ્યાર્થીને યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો હતો. પરંતુ તેણીએ મિલન વરુની આ માગણીનો અસ્‍વીકાર કરતા ઉપરોક્‍ત શખ્‍સ દ્વારા તેણીને ફોન ઉપર અપશબ્‍દો કહી, યુવતીના ભાઈનું ફેક આઇડી બનાવી અને તેમાં યુવતીના ફોટા વિગેરે અપલોડ કર્યા હતા.

આમ, યુવતીને બદનામ કરવાના ઇરાદાથી સોશિયલ મીડિયામાં પોસ્‍ટ મૂકી અને અભદ્ર તેમજ ભયજનક મેસેજ વાયરલ કરવા અંગે યુવતી દ્વારા કલ્‍યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આટલું જ નહીં, તેણી જો પોતાની સાથે લગ્ન નહી કરે, તો આરોપી શખ્‍સ દ્વારા યુવતી તથા તેના ભાઈ અને કુટુંબીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્‍ચારી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્‍યાણપુર પોલીસે આઈપીસી કલમ ૩૫૪ વિગેરે ઉપરાંત ૫૦૦, ૫૦૪, ૫૦૬ (૨) તથા આઇ.ટી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ખંભાળિયાના પી.આઈ. કે.બી. યાજ્ઞિક દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:27 pm IST)