Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બાઈકની રેસ લગાડતા નબીરાએ ફુટબોલની જેમ ખેડુતને ફગોળતા કમકમાટીભર્યુ મોત

ધ્રોલના રાજકોટ-જામનગર હાઈવે પર જાયવાના પાટીયા પાસે બનેલો અકસ્‍માતનો બનાવ પૈસાદાર બાપના નબીરાના લીધે બે માસુમ દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

ધ્રોલ તા. ૧૩ : ધ્રોલના રાજકોટ-જામનગર હાઈવે પર જાયવાના પાટીયા પાસે મોટર સાયકલની હરીફાઈ કરતા નબીરાના લીધે રવિવારે બે પુત્રીના પિતા એવા ખેડુતનું બાઈક રેસરે ભોગ લેતા ઘટતા સ્‍થળેજ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ અને ઘટના સ્‍થળે પોલીસ દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા શાંતીભાઈ નરશીભાઈ મુંગરા ઉ.વ.આ. ૪૭ વર્ષના ખેડુત સવારે જાયવાથી પોતાની વાડીએ ધરે જતી વખતે એકટીવા મોટર સાયકલમાં જતા સમયે જાયવાના પાટીયા પાસે રાજકોટ-જામનગર હાઈવે ક્રોસ કરતા સમયે બાઈકની રેસ લગાડતા એક નબીરાએ આ ખેડુતને હડફેટે લેતા ૧૫ થી ૨૦ ફુટ ફુટબોલની જેમ ફગોળતા ગંભીર ઈજા થવાથી શાંતિભાઈ મુંગરાનું ઘટના સ્‍થળેજ મોત નિપજયુ હતુ

વધુમા મળતી વિગત મુજબ જાયવા ગામના શાંતિભાઈ મુંગરા ખેડુત હોય અને પરીવારમાં માત્ર બે દિકરીઓ હોય રવિવાર ગોજારો બનતા બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવથી જાયવા ગામમાં શોકનું વાતાવરણ છવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે રાજકોટ-જામનગર વચ્‍ચે છેલ્લા ધણા સમયથી દર રવિવારે પૈસાદાર બાપના નબીરાઓ મોટર સાયકલની સ્‍પર્ધા નિયમીત કરે છે અને ધુમ સ્‍ટાઈલથી બેફામ મોટર સાયકલ ચલાવીને દર રવિવારે મોટી સંખ્‍યામાં બાઈકની રેસ લગાડતા હોય તે વચ્‍ચે રવિવારે આ બાઈક રેસના લીધે જાયવા ગામના ખેડુતનો ભોગ લેવાથી રોષ જોવા મળી રહયો છે અને આ બાઈકની રેસ લગાડતા નબીરાઓ સામે પોલીસ લાલ આંખ કરીને કડક પગલા ભરવા માંગણી ઉઠી છે. (તસ્‍વીર - અહેવાલ : સંજય ડાંગર, ધ્રોલ)

(2:33 pm IST)