Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જુનાગઢ-ભાણવડમાં અડધો ઇંચઃ સૌરાષ્‍ટ્રમાં ધુપ-છાંવઃ કચ્‍છમાં તડકો

મોરબી, ખંભાળીયા, ઓખા, મીઠાપુર, મેઘપર ટીટોડી, ઉપલેટાના ઇસરા સહિતના વિસ્‍તારોમાં હળવો-ભારે વરસાદ

રાજકોટ તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં સર્વત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્‍ચે જુનાગઢ અને દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડમાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો છે. જયારે કચ્‍છમાંતડકો છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ આજે બપોરે જુનાગઢમાં કડાકા ભડાકા વચ્‍ચે મેઘાએ જોરદાર એન્‍ટ્રી કરી હતી અને અડધો ઇંચ વરસાદ પડયો હતો.

સવારથી ઉકળાટ અને બફારો અસહય બન્‍યો હતો બપોરનાં ૧ર પહેલા વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો. બાદમાં વાદળાનાં ગડગડાટ વચ્‍ચે વરસાદ તૂટી પડયો હતો.

જુનાગઢમાં બપોરનાં ર૦ મીનીટમાં અર્ધો ઇંચ વરસાદ વરસતા માર્ગો પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.

આ લખાય છે ત્‍યારે પણ વરસાદી વાતાવરણ હોવાથી બપોર બાદ પણ વરસાદ થવાની શકયતા છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડમાં અડધો ઇંચ તથા ખંભાળીયા, ઓખા સહિતના વિસ્‍તારોમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા યાજ્ઞિક પાદરીયાએ જણાવ્‍યું છે કે, જેતપુરમાં વરસાદ ગાજી રહ્યો છે.

‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા મેરામણભાઇ આહીરે જણાવ્‍યું છે કે મોરબીમાં વરસાદ ચાલુ છે.

‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા ભીવશીભાઇ ચાવડાએ જણાવ્‍યું છે કે દેવભુમિ દ્વારકાના મેઘપર ટીટોડીમાં મેઘરાજા મનમુકીને વરસે છે.

ઉપલેટાના ઇસરામાં ધીમીધારે વરસાદ ચાલુ હોવાનું ‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા સંદિપભાઇ રૂપાપરાએ જણાવ્‍યું છે. વેરાવળમાં વરસાદી વાતાવરણ હોવાનું ‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા સુખદેવભાઇ મેઘનાથીએ જણાવ્‍યું છે.

ગોંડલમાં સવારથી તડકો અને બફારો હોવાનું ‘‘અકિલા'' ફેસબુક લાઇવના શ્રોતા રાજેશભાઇ પોપટે જણાવ્‍યું છે.

(4:17 pm IST)