Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કેશોદમાં 'કરંટ' વગરનો વરસાદી માહોલઃ ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે માત્ર ૭ મી.મી.

કેશોદ પંથકમાં લાંબા સમય બાદ ચોમાસાની શરૂઆત થઇ છતાં 'મેઘો' મન મુકીને વરસતો નથી : ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછા-વધતાં પ્રમાણમાં વરસાદઃ સિઝનનો કુલ ૧ાા ઇંચઃ અપેક્ષિત વરસાદનો અભાવ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૩: અત્રે શરૂ થયેલ ચોમાસુ સીઝનના લગભગ એક માસ બાદ પણ મેઘરાજા મન મુકીને વરસવાના બદલે સામાન્ય માત્રામાં વરસી વિરામ લઇ લેતા આ સ્થિતિ વચ્ચે ગત તા.૧૦ને શનિવારથી ઉભો થયેલ વરસાદી માહોલ તદન 'કરંટ' વગરનો જણાઇ રહેલ છે. ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે ૭મી.મી. જેવો સામાન્ય વરસાદ વરસતા સિઝનનો કુલ દોઢ ઇંચ વરસાદ થવા પામેલ છે.

અત્રે છેલ્લા ચાર દિવસથી ઉભો થયેલ વરસાદી માહોલ વચ્ચે સ્થાનીક શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછા વધતાં પ્રમાણમાં વરસાદ વરસી રહેલ છે.

જો કે કેશોદ પંથકમાં લાંબા સમય બાદ ચોમાસુ સિઝનની શરૂઆત જ થયેલ હોઇ અને ખેતી ઉદ્યોગ વિષયક એવું મહત્વનું વાવણી કાર્ય પણ બાકી હોઇ ખેડુતો ખેતરોમાં બીજ રોપવા માટે સારા વરસાદની પ્રતિક્ષામાં બેઠેલા જોવા મળી રહેલ છે.

આજે સવારે ૧૦:૩૦ કલાકે આ સમાચાર લખાઇ રહેલ છે ત્યારે પણ ભારે ઉકળાટ, બફારા અને ગરમી વચ્ચે વાદળોથી ઘેરાયેલ આકાશી માહોલ સંપુર્ણ જણાઇ રહેલ છે. જો કે આ સ્થિતિ વચ્ચે પણ અપેક્ષિત વરસાદનો અભાવ જણાઇ રહેલ છે.

(1:23 pm IST)