Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મોરબીના કારખાનાની મજુર ઓરડીમાં ચોરી કરનાર ૧૭ મોબાઇલ સાથે બે ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૩ : મોરબી એલસીબીની ટીમે લાલપર નજીક ચોરી કે છળકપટથી મેળવેલા ૧૭ મોબાઈલ સગેવગે કરે તે પૂર્વે જ બે ગઠિયાઓને પકડી પાડીધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બન્નેને મોરબી તાલુકા પોલીસમાં સોપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, અશોકસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે લાલપર ગામના ઝાપા પાસે નેશનલ હાઈવે પર બે ઇસમો ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ ફોન વેચવા કે સગેવગે કરવા માટે નીકળનાર છે તેવી બાતમીના આધારે એલસીબી ટીમે તપાસ હાથ ધરવામાં આવતા બે ઇસમો શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ-૧૭ મળી આવતા વધુ પુછપરછ કરતા આ મોબાઈલ મોરબીના લાલપર તથા લખધીરપુર વિસ્તારમાં આવેલ કારખાનાની મજૂરોની ઓરડીમાંથી ચોરી કે છળકપટ થી સેરવીને મેળવેલ હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી વિકાસ બીગનભાઈ પાસવાન રહે-સીનીયર સિરામિક ઓરડી લાલપર ગામ અને કૌશલકુમાર દેવપ્રસાદ પાસવાન રહે-સીનીયર સિરામિક કારખાનાની ઓરડીમાં લાલપર વાળાને મોબાઈલ નંગ-૧૭ કીમત રૂ,૮૫,૦૦૦ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં એલસીબી પી.આઇ. વી.બી.જાડેજા તથા રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, દિલીપભાઈ ચૌધરી, શકિતસિંહ ઝાલા, જયેશભાઇ વાઘેલા, અશોકસિંહ ચુડાસમા સતિષભાઇ કાંજીયા સહિતની ટીમે કરેલ છે.

(1:24 pm IST)