Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

માછલીઘરમાં માછલીઓને નોનવેજના બદલે શાકાહારી ખોરાક આપવાનું ભાવનગરના મહિલાનું સંશોધનઃ આલ્‍ગી નામની વનસ્‍પતિથી ખોરાક તૈયાર કરાયો

ભાવનગર: માછલી ઘર રાખવાનો શોખ કોને ના હોય, પરંતુ માછલીને નોનવેજ ખોરાક આપવાનો હોવાથી જેના કારણે અહિંસામાં માનનારા કેટલાક લોકો માછલીઘર રાખવાથી કચવાટ અનુભવતા હોય છે. ત્યારે એવા લોકોની સમસ્યાનું સમાધાન ભાવનગરની એક મહિલાએ શોધી કાઢ્યું છે.

દુનિયાભરમાં અનેક લોકોને માછલીઘર રાખવાનો શોખ હોય છે, તો ઘણા તેનાથી શાંતિ મેળવવા અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે માછલીઘરથી ઘરમાં સમૃદ્ધિ વધતી હોવાના વિચારને લઈને પોતાના ઘરમાં માછલીઘર રાખતા હોય છે, રંગબેરંગી માછલીઓ મનને એક અલગ પ્રકારની શાંતિ આપે છે બાળકોને માછલીઓ સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે, પરંતુ માછલીઓને આપવામાં આવતો એક્વેરિયમ ફૂડ નોનવેજ પદાર્થમાંથી બનતો હોવાથી કેટલાક લોકો તે પસંદ નથી કરતા, ત્યારે ભાવનગરની એક મહિલા ડો. ખુશ્બુ ભાયાણીએ શુદ્ધ વેજીટેરિયન પદાર્થના ઉપયોગથી માછલી માટે ખોરાક બનાવ્યો છે.

ભારતભરમાં વાપરવામાં આવતો માછલીઓનો ખોરાક મોટાભાગે ચીનમાંથી લાવવામાં આવે છે જે નોનવેજ પ્રકારનો હોય છે. જ્યારે ભાવનગરની મહિલાએ બનાવેલ માછલીઓ માટેનો ખોરાક આલ્ગી નામની વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવ્યો છે અને હાલ તેની ખૂબ માંગ છે.

ભાવનગરની ડો. ખુશ્બુ ભાયાણી, અપૂર્વ ભાયાણી અને કંજવી ભાયાણીના આલ્ગીમિસ્ટ ગ્રુપ દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાન માછલીઓ માટે વાપરવામાં આવતા ખોરાક માટે આવેલા વિચારને ફળીભૂત કરવા સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, અને 5 મહિનાની મહેનત બાદ સ્પિરુલિના માઇક્રોઆલ્ગીમાંથી તેઓએ માછલીઓ માટેના ખોરાક બનાવવામાં સફળતા મેળવી.

સ્પિરુલિનાએ માઇક્રોઆલ્ગીનો એક પ્રકાર છે જેમાં 50 થી 70 ટકા પ્રોટીન, 8 ટકા ફેટ, 24 ટકા કાર્બોહાઈડ્રેટ, એન્ટી ઓક્સિડન્ટ અને પાણી હોય છે, ખૂબ ઓછી જગ્યા અને પાણીના ઉપયોગથી આલ્ગી ઉગાડી શકાય છે, અને જેનો કુપોષણથી લઈને અવકાશયાત્રાએ જતા લોકોના ખોરાકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આ ફિશ ફૂડ દરેક પ્રકારની માછલીઓને આપી શકાય છે જેના કારણે માછલીઓના રંગ, વિકાસ, વર્તન અને રોગ પ્રતિકાર શક્તિમાં હકારાત્મક અસરો જોવા મળી છે, ડો. ખુશ્બુ ભાયાણીના ધી આલ્ગીમિસ્ટ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 500 કિલો કરતા વધુ ફિશ ફૂડનું વેચાણ કરવામાં આવ્યું છે અને તેના સારા પરિણામોના કારણે તેની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

(4:13 pm IST)