Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વેરાવળમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ

સટ્ટાબજાર, સુભાષરોડ, તપેશ્વર રોડ, ગાંધી રોડ, સહીતના માર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયાં: ગામના માર્ગો પર જાણે ધસમસતી નદીનો પ્રવાહ વહ્યો

ગીર સોમનાથ: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગીર-સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં વરુણ દેવ મન મૂકીને વરસ્યા હતા. વેરાવળમાં સવારના 6થી 10 વાગ્યા સુધીમાં જે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે મગફળીની ખેતીને જીવનદાન મળ્યું છે.

બીજી તરફ અચાનક ટૂંકા સમયમાં પડેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પર પણ વિષમ અસરો જોવા મળી છે. વેરાવળની મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. જેમાં સટ્ટાબજાર, સુભાષરોડ, તપેશ્વર રોડ, ગાંધી રોડ, સહીતના માર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયાં હતા. વેરાવળ નજીકનું ડારી ગામ જળ બંબાકાર બન્યું છે. ગામના માર્ગો પર જાણે ધસમસતી નદીનો પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

(7:29 pm IST)