Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વત્ર અડધાથી ૪ ઇંચ વરસાદ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગર જીલ્લા સહિત રાજયભરમાં મેઘરાજાનું મંડાણ થઇ ચુકયું છે ત્યારે કેટલાક વિસ્તારમા છેલ્લા બે દિવસથી સાંબેલાધાર વરસાદ થયો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં જો વરસાદની વાત કરવામા આવે તો જીલ્લામાં સરેરાશ ૩થી ૪ ઇચ વરસાદ પડવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામા આવ્યુ છે ત્યારે ચોમાસાની સત્ર પુર્ણ થવાના આરે હતુ અને વરસાદ ખાબકતા આ પ્રકારના વરસાદને 'પુછડીયો' વરસાદ તરીકે ઉલ્લેખ હોવાનુ વાસ્તુશાસ્ત્રના વૃધ્ધ લોકો દ્વારા જણાવાયુ છે ત્યારે આવા પાળીયા વરસાદના લીધે ખેડુતોને પણ નુકશાની થઇ હોવાનુ સામે આવ્યુ છે.

જેમા કપાસના મોટાભાગના પાકને વરસાદના લીધે આવેલા જીંડવા ખરી પડ્યા છે અને કપાસના વાવેતરમાં ખેતરો વરસાદના લીધે પાણીથી લીલાછમ રહેતા ધીરેધીરે ઈયળ તથા રોગ આવવાની શકયતા શરુ થઇ છે તેવામાં ઝાલાવાડના કેટલાક વિસ્તારોમા વાવેતર કરી પુર્ણ કરેલી મગફળીનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો ઉપર માઠી બેઠી હોય એમ કુદરતી ચક્ર ફરી રહ્યું છે. ચોમાસાને શરૂ થયાને અઢી મહિના થવા છતાંય વરસાદ ન થતા અનેક ખેડૂતોના લાખો રૂપિયાના પાક બળીને ખાખ થઇ ગયા હતા. ત્યારબાદ સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે એ માટે ખેડૂતોએ ૨૮ દિવસ સતત વરસાદ ન થવાના કારણે પાક નુકસાનીનો લાભ મેળવવા રેલી દ્વારા આવેદનપત્ર પણ પઠવ્યું હતું. પરંતુ હજી સુધી જિલ્લાભરના ખેડૂતો પાક નુકસાનનીના સર્વેની મીટ માંડીને બેઠા છે. હજી એ પાક નુકસાનીનો સર્વે નથી થયો ત્યાં પિયત વિસ્તારમાં ઉગાડેલા ખેડૂતોના કપાસ સહિતના પાકમાં પાછોતરો વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી આવા ખેડૂતોને પણ પાક નુકસાનીનું વળતર આપવાની ખેડૂતો માંગ કરી રહયા છે.

સાથે ખેડૂતોને વરસાદ ન થવાના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે ન કરવાના કારણે હવે વરસાદ થયા બાદ ત્યાં વાવેતર કરે તો નુકસાનીનો સર્વે ના થાય. આમ તંત્રની બેદરકારીના કારણે જિલ્લાભરના ખેડૂતોની હાલત કફોડી થઇ છે.

(12:22 pm IST)