Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સવારના મેઘ તાંડવથી જળબંબાકાર

વિસાવદરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ : સર્વત્ર પાણી જ પાણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ : વિસાવદરમાં સવારે બે કલાકમાં પાંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

સવારના વિસાવદર વિસ્તારમાં મેઘ તાંડવથી જળબંબાકારની સ્થિતિ સર્જાયેલ છે. ગતરાતથી જૂનાગઢ જિલ્લામાં શરૂ થયેલી મેઘસવારી આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા જનજીવનને ભારે અસર થઇ છે.

જિલ્લામાં વિસાવદર અને તેની આસપાસના વિસ્તારમાં સવારે બારે મેઘખાંગા થયા હતા.

સવારના છ વાગ્યાથી મેઘાએ વિસાવદરમાં ધીમેધારે વરસવાનું શરૂ કરતા ૬ થી ૮ના બે કલાકમાં ૧૪ મીમી પાણી પડયાનું નોંધાયું હતું પરંતુ સવારના ૮ વાગ્યાથી વિસાવદરમાં બારે મેઘખાંગા થયા હતા અને સવારના ૧૦ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર બે જ કલાકમાં ૧૧૩ મીમી એટલે અંદાજે પાંચ ઇંચ પાણી વરસતા વિસાવદર પાણી પાણી થઇ ગયું હતું.

વિસાવદરમાં ભારેથી અતિભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. જેનાથી નુકસાનના અહેવાલ છે.

વિસાવદરની પોપટડી નદી બેકાંઠે થઇ છે અને આંબાજળ તેમજ ધ્રાફડ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ છે.

અનરાધાર વરસાદથી વિસાવદર શહેરમાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં તંત્ર દ્વારા મદદ પુરી પાડવામાં આવી રહી છે.

(1:53 pm IST)