Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

જસદણમાં કાર ચાલકે બાઇકને ૧૦૦ ફુટ દુર સુધી ઢસડીઃ ફોરેલેન રોડની વચ્ચે રહેલી નડતરરૂપે કુંડીના પગલે અકસ્માત

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા.૧૩: જસદણ-આટકોટ ફોરલેન રોડ પર આવેલ સોલીટેર સોસાયટી નજીક જસદણથી આટકોટ સાઈડ જઈ રહેલી કારના ચાલકે ફોરલેન રોડની વચ્ચે નડતરરૂપ રહેલી કુંડી તારવવા જતા રોડની સાઈડમાં ઉભેલ બાઈક સવારને અચાનક અડફેટે લેતા બાઈક અને બાઈક સવાર બન્ને ૧૦૦ ફૂટ દુર સુધી કાર સાથે ઢસડાયા હતા. જોકે બાદમાં કારના ચાલકે પોતાની કાર ઉભી રાખી દઈ ઈજાગ્રસ્ત બાઈક સવારને તાત્કાલિક જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

જસદણના આટકોટ રોડ પર આવેલ સોલીટેર સોસાયટીમાં રહેતા અને શહેરની મેઈનબજારમાં શ્રીમાન કાપડ નામની દુકાન ધરાવતા દિનેશભાઈ ભગવાનજીભાઈ નારીયા(ઉ.વ.૫૫) બપોરના સમયે દ્યરેથી પોતાની દુકાન તરફ જવા બાઈક નં. જીજે-૩સી-૨૬૬૪ લઈને નીકળ્યા હતા. બાદમાં તેઓ પોતાનું બાઈક લઈને તેમના દ્યરથી થોડે દુર જસદણ-આટકોટ ફોરલેન રોડ ક્રોસ કરવા માટે ઉભા હતા. ત્યારે જસદણથી આટકોટ તરફ જઈ રહેલી કાર નં. જીજે-૦૩સીઇ-૭૯૩૩ ના ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક અને બાઈક સવાર બન્ને ૧૦૦ ફૂટ દુર સુધી કાર સાથે ઢસડાયા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં કારના ચાલકે તાત્કાલિક પોતાની કાર ઉભી રાખી દેતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતના પગલે કોર્પોરેટર મીઠાભાઈ છાયાણી, કાનાભાઈ, અજયભાઈ ધડુક સહિતના સેવાભાવીઓ દ્યટના સ્થળે દોડી ગયા હતા અને કારના ચાલકે ઈજાગ્રસ્ત બાઈક સવારને તાત્કાલિક જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી માનવતા દાખવી હતી. જોકે આ અકસ્માતના બનાવમાં બાઈક ચાલકને સમયસર સારવાર મળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અકસ્માત જસદણ-આટકોટ ફોરલેન રોડની વચ્ચે રહેલી કુંડીના કારણે બન્યો હોવાનું અને આ કુંડીના કારણે અગાઉ પણ અનેક અકસ્માતોના બનાવો બની ચુકયા હોવાનું જસદણ નગરપાલિકાના કોર્પોરેટર મીઠાભાઈ છાયાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જોકે વારંવાર અકસ્માત નોતરતી આ કુંડી ખરેખર જસદણ-આટકોટ ફોરલેન રોડના કોન્ટ્રાકટરે ઢાંકવાની હોય છે. પરંતુ રોડના કોન્ટ્રાકટરે પોતાની જવાબદારી નહી નિભાવતા આખરે નગરપાલિકાના કોર્પોરેટર મીઠાભાઈ છાયાણી સહિતના સેવાભાવીઓએ જાતે ઢાંકી અન્ય અકસ્માતો રોકવાના પ્રયાસો કર્યા હતા.

અગાઉ છ નાનામોટા અકસ્માતોના બનાવો બની ચુકયા છે. આ કુંડીનું ઢાંકણું ખરેખર રોડના કોન્ટ્રાકટરે રીપેર કરવાનું હોય છે અથવા ઢાંકવાનું હોય છે. પણ એ લોકોએ આજસુધી કઈ ન કરતા અમારે જાતે તૂટેલી કુંડીને ઢાંકવી પડી છે. અમે બધાએ અનેકવાર રજૂઆત કરેલી છે કે ફેકટરી નજીક સ્પીડબ્રેકર મુકો. પણ આજદિન સુધીમાં એક સ્પીડબ્રેકર પણ મુકવામાં આવ્યું નથી જેના કારણે આવનારા દિવસોમાં પણ આજ જગ્યાએ અકસ્માતોના બનાવો બનતા રહેશે તેવું મને લાગી રહ્યું છે. તેમ અંતમાં એ જણાવ્યું છે.

(1:58 pm IST)