Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નરેશભાઇ પટેલ નવા મુખ્યમંત્રીને અભિનંદન આપવાનું કેમ ચુકી ગયા ? પાટીદાર સમાજમાં ભારે ચર્ચા

વિંછીયા તાલુકાના કડવા પાટીદાર યુવક સી.કે. પટેલે પત્ર પાઠવ્યો

રાજકોટ તા.૧૩:  ભારતીય જનતા પાર્ટીએ ગઇકાલે જ પાટીદાર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે અગાઉ પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની એકથી વધુ વખત ખોડલધામના માધ્યમથી માંગણી કરી ચુકેલા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ  ભારતીય જનતા પાર્ટીનો આભાર માનવાનો કે નવા મુખ્યમંત્રીને અભિનંદન આપવાનુ કેમ ચુકી ગયા ? શુ નવા મુખ્યમંત્રી કડવા પટેલ સમાજના છે તેથી ?આવો  પ્રશ્ને વિંછીયા તાલુકાના આગેવાને નરેશભાઈ પટેલને કરતા પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.

વિછીંયા તાલુકાના કડવા પાટીદાર યુવાન સી.કે.પટેલ દ્વારા નરેશભાઈ પટેલને સંબોધીત પત્રમા જણાવયુ છે કે તાજેતરમા ખોડલધામ કાગવડ મંદિરે લેઉવા અને કડવા પાટીદારોની મિટિંગમાં બંને સમાજનો એક અવાજ હતો કે ગુજરાતમાં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી  હોવો જોઈએ તેવી ખોડલધામ મંદિરના ચેરમેન નરેશભાઈ પટેલ અને પાટીદાર સમાજના આગેવાનો મા ખોડિયારને પ્રાર્થના કરતાં તે પ્રાર્થના પાટીદાર સમાજને ફળતાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ તેમની માંગણી ઉપર ધ્યાન આપીને પાટીદાર સમાજમાંથી ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને ભારતીય  જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોએ સર્વ સંમતીથી ગુજરાતના નવા મુખ્યમંત્રીની નિમણૂક કરેલ છે.તે સમયે પાટીદાર સમાજના આગેવાન નરેશભાઈ પટેલને નવા મુખ્યમંત્રીને અભિનંદન સાથે આશીર્વાદ આપવા બે દિવસ શું કારણે વિચારવાનો સમય માંગવામાં આવેલ છે ?

તમારી વાત ઉપર મા ખોડિયારે આશીર્વાદ આપેલ છે જેથી લેઉવા અને કડવા પટેલને એક ગણીને પાટીદાર સમાજ ગણતા હોય તો તાત્કાલિક પાટીદાર સમાજના આગેવાન તરીકે પાટીદાર સમાજના મુખ્યમંત્રીને આશીર્વાદ આપવા પડે અને આશીર્વાદ આપવામાં નહીં આવે તો કડવા પટેલ સમાજને તમે પાટીદાર ગણતા નથી તેમ લાગશે ખાલી લેઉવા પટેલ સમાજને આપ પાટીદાર ગણતા હોય તેમ લાગે છે. આ બાબતે આપ અમારાથી વડીલ છો અને હું પાટીદાર સમાજનો યુવાન આગેવાન છું અને પાટીદાર સમાજને એક કરીને આગળ લઇ જવા માંગતા હોય તો આ બાબતે યોગ્ય કરવા આપ સાહેબને નમ્ર વિનંતી.

વિંછીયા તાલુકાના યુવા આગેવાન સી.કે.પટેલના આ નિવેદનથી આગામી દિવસોમાં ભારે વિવાદ ઉભા થશે અને તેમના આ નિવેદને પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.

(2:03 pm IST)