Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે નિચાણ વાળા વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળાંતર

શાપર વેરાવળ ગામ પાસે વધુ પાણી ભરાતા જિલ્લા પ્રશાસનની સાથે ગામના સરપંચ અને સ્વયંસેવકો બચાવ - રાહત માટે સજ્જ

રાજકોટ :રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી અને ડેમોમાં નવા નીરની આવક સાથે ડેમ હેઠવાસના વિસ્તારોમાં પાણી છોડવાથી તથા શાપર વેરાવળ ઔદ્યોગીક વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે હેઠવાસના રહેણાંક વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવા તંત્ર અને શાપર વેરાવળના સરપંચ રવિરાજસિંહ અને ટીમ દ્વારા સતત કામગીરી થઇ રહી છે.

   ભારે વરસાદને પગલે શાપર વેરાવળ ઔદ્યોગીક વિસ્તારમાં રહેતા અને અન્ય નિચાણ વાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી જતા ગામના સરપંચશ્રી રવિરાજસિંહ જાડેજા અને તલાટી કમ મંત્રીશ્રી સત્યમ દવે તથા તમામ સભ્યો લોકોના સ્થળાંતર માટે કામે લાગેલ હતા. વેરાવળના રામદેવ નગર, વિરમદેવ નગર, ગણેશ નગર તથા બુદ્ધ નગર ઝુપડપટ્ટી વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયેલા હોય જેના અનુસંધાને વેરાવળ ગ્રામ પંચાયત સરપંચ  રવિરાજસિંહ જાડેજા તથા પંચાયત સભ્ય અમૃતભાઈ દાફડા, રમેશભાઈ વાઘેલા તથા ભરતભાઈ પરમાર અને તલાટી મંત્રી  સત્યમભાઈ દવે દ્વારા મુલાકાત લઈ તાત્કાલિક પાણીના નિકાલ થાય તે માટે જે.સી.બી. દ્વારા  પાળાઓ બાંધી પાણીને અન્ય રસ્તે વાળી દેવાની કામગીરી સત્વરે આરંભી દીધી હતી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે જમવાનુ તથા રહેવાની વ્યવસ્થા નજીકની પ્રાથમિક શાળામાં કરી આપવામાં આવેલ હતી. આ કામગીરીમાં સતત શાપર પોલીસ દ્વારા સહકાર મળેલ છે.
ખાસ કરીને આ વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ અને વધારે પાણી ભરાયેલા રોડ પર સ્વયંસેવકો દ્વારા આવનજાવન કરતા વાહનોને દિશાનિર્દેશ કરવા સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા. ભારે વરસાદને પગલે નાળા અને નાના પુલો પાસે વરસાદી પાણીની જાવક પર તંત્ર દ્વારા સતત નિરીક્ષણ થઇ રહ્યું છે.
આમ શાપર-વેરાવળ વિસ્તાર સહિત ડેમના હેઠવાસના લોકોને સલામત સ્થળે ખેસડવા સાથે તેમને તમામ સુવીધાઓ આપવા હેઠવાસના ગામના અગ્રણીઓ અને તંત્ર સતત ખડે પગે રહીને બચાવ - રાહતની કામગીરી બજાવવા સજ્જ છે.

(8:14 pm IST)