Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગાંધીધામના જાણીતા નીલકંઠ ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડામાં દસ કરોડનું ઝવેરાત અને 4.5 કરોડની રોકડ મળી

ત્રણ દિવસની કાર્યવાહી દરમિયાન અધિકારીઓને કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો અને મોટા પાયા પર એસેટ્સ મળ્યા: સોલ્ટ હિલ્સના મૂલ્યની ગણતરી માટે રાજકોટથી વેલ્યુઅર બોલાવાયો

ગાંધીધામના જાણીતા નીલકંઠ ગ્રૂપ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના દરોડામાં અધિકારીઓને દસ કરોડનું ઝવેરાત અને 4.5 કરોડની રોકડ મળી છે. દરોડાના ત્રણ દિવસથી ચાલતી કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓને કરોડો રૂપિયાના બેહિસાબી વ્યવહારો ને મોટા પાયા પર એસેટ્સ મળી આવી છે, જેની હાલમાં તપાસ ચાલી રહી છે. નીલકંઠ જૂથ મીઠાનું ઉત્પાદન અને નિકાસ કરે છે. સોલ્ટ હિલનું મૂલ્ય નક્કી કરવા માટે રાજકોટથી ગાંધીધામ વેલ્યુઅર બોલાવાયા છે.

નીલકંઠ જૂથ જાણીતા ઉદ્યોગપતિ અરજણભાઈ, શામજીભાઈ, ખીંગારભાઈ અને તેજાભાઈ કાનડનું બનેલું છે. તેમના ગાંધીધામના ઝંડા ચોક પર આવેલા નીલકંઠ સોલ્ટ વર્ક, ઓસ્લો વિસ્તારમાં આવેલા નિવાસ્થાન અને અંજાર રોડ પર આવેલા શૈક્ષણિક સંકુલમાં તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

આમ અમદાવાદમાં પોપ્યુલર જૂથના દરોડાની કાર્યવાહી પૂરી થયા પછી આવકવેરા અધિકારીઓની ટીમ ગાંધીધામમાં જાણીતા નીલકંઠ જૂથ સામેની કાર્યવાહીમાં અટવાયેલી છે. 20 ઓફિસરોની ટીમે નીલકંઠ જૂથની 20 ઓફિસો અને રહેણાકો પર દરોડા પાડ્યા છે અને તે ત્રણ દિવસથી તપાસ કરી રહ્યા છે. તલસ્પર્શી તપાસ તો ડેટા ડાયરીઓની,, ખાતાઓ, ચોપડાઓ, પેન ડ્રાઇવ્સ, લેપટોપ અને મોબાઇલ્સની મિરર ઇમેજ લઈને થશે. સત્તાવાળાઓએ 20 બેન્ક લોકર જપ્ત કર્યા છે.

 તપાસનો ત્રીજો દિવસ છે અને અધિકારીઓે વિવિધ સ્થળોએ 4.5 કરોડની રોકડ મળી આવી છે. આ સિવાય તપાસમાં દસ કરોડનું સોનાનું ઝવેરાત મળી આવ્યું છે. આ બધુ ઝવેરાત અને રોકડ તપાસ હેઠળ છે. નીલકંઠ જૂથની સોલ્ટ હિલ્સનું મૂલ્ય નક્કી કરવા માટે રાજકોટથી બોલાવવામાં આવનારો વેલ્યુઅર આવકવેરા અધિકારીઓે તેનો ખર્ચ અને મૂલ્ય સમજાવશે.

નીલકંઠ જૂથ ટ્રાન્સપોર્ટેશન અને બાંધકામની સાથે મીઠાના ઉત્પાદન અને નિકાસની સાથે જોડાયેલું છે. તેઓ સ્થાનિક વિસ્તારોમાં મોટાપાયા પર મિલકતો ધરાવે છે. તેની વિગતો વિભાગ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ નીલકંઠ જૂથના નેજા હેઠળ ઘણી કંપનીઓ રજિસ્ટર્ડ છે અને તેની પાસેની રોકડ પણ તેમણે જપ્ત કરી છે. આવકવેરા વિભાગની અમદાવાદ અને જામનગર, રાજકોટની ટીમ દ્વારા ચાલતી તપાસના લીધે નિકાસકારોમાં ટેન્શન વ્યાપી ગયું છે.

લોકડાઉન પછી આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે. તાજેતરમાં ગોધરા, ડાકોર અને વડોદરામાં અડધો ડઝનથી વધુ જગ્યાએ દરોડા પાડી કરોડો રૂપિયાની કરચોરી ઝડપી છે. તેના પછી ગાંધીધામમાં આવેલા મીઠાના ઉદ્યોગના આગેવાન ગણાતા નીલકંઠ જૂથની ઓફિસ-ઘર સહિતના ઘણા સ્થળો આવકવેરા વિભાગના રાડારમાં આવ્યા છે.

આજે વહેલી સવારે જાણીતા બિઝનેસમેન અરજણભાઈ,શામજીભાઈ,ખીંગારભાઈ અને તેજાભાઈ કાનગડના ધંધાકીય એકમો પર આવકવેરા વિભાગ ત્રાટકયું હતું જેમાં તેમની ગાંધીધામમાં ઝંડા ચોક પર આવેલ નિલકંઠ સોલ્ટ વર્ક,ઓસ્લો વિસ્તારમાં આવેલ નિવાસસ્થાન અને અંજાર રોડ પર આવેલ શૈક્ષણિક સંકૂલ પર તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ કંડલા પોર્ટ પર નીલકંઠસોલ્ટ વર્કસના નામથી તેઓ વર્ષોથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.આ ઉપરાંત ઓઈલના પ્લાન્ટ કચ્છમાં આવેલ મુન્દ્રા ખાતે ગોડાઉનનો વેપાર તેમજ જમીનના મોટાગજાના ધંધાર્થી ગણાય છે.આજે સવારથી ઈન્કમટેકસના દરોડાના પગલે કચ્છના વેપાર ઉદ્યોગ લોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(8:38 am IST)