Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિપાવલીમાં ઉલ્લાસ - ઉમંગ અને આનંદની સાથે કોરોના મહામારીમાં સતર્કતા પણ જરૂરી : અમિતભાઇ શાહ

કચ્છના ધોરડામાં સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમ : વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાતના ધોરડો (કચ્છ) ખાતે આયોજન કરવામાં આવેલા સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ – ૨૦૨૦ કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે સરહદી વિકાસ ઉત્સવનો ઉદ્દેશ એ છે કે સુશાસન અને વિકાસ સરહદી વિસ્તારો સુધી પહોંચે. સરહદ પર આવેલા ગામોમાં જે નાગરિકો વસવાટ કરે છે તેમને પણ એટલી જ સુવિધા પ્રાપ્ત થાય, જેટલી શહેરોમાં રહેતા નાગરિકોને મળતી હોય છે. તેની સાથે-સાથે અહીંના જન પ્રતિનિધિઓમાં રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના જાગૃત કરવી અને સુરક્ષાનો મુદ્દો તથા સૈન્યને લગતી મહત્વની સંવેદનશીલ બાબતો અંગે પરામર્શ કરવો તે સરહદ વિસ્તારના વિકાસોત્વનો ઉદ્દેશ છે.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો નિર્ણય છે કે સરહદ વિકાસ ઉત્સવના માધ્યમથી સરહદોનો વિકાસ કરવાનું કામ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાતની સીમા સુધી સીમિત નહીં રહે, પરંતુ તેનો શુભારંભ થયા પછી પ્રધાનમંત્રી જાતે પણ વિકાસ કાર્યક્રમોમાં સામેલ થશે અને હું પણ આવનારા દિવસોમાં સરહદો પર જઈને ત્યાં રહેતા સૈનિકો કે જે સરહદોની સુરક્ષા કરે છે તેમની સાથે રહેવાનો છું. અને આ પરંપરા સતત ચાલુ રહેવાની છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દેશની સરહદો, રાજયની સરહદો માતાના પાલવ જેવી હોય છે અને તેની સુરક્ષા કરવી તે દરેક નાગરિકનો પ્રાથમિક ધર્મ છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે સરહદી ગામોના સરપંચ, ધારાસભ્યો, સાંસદો, આપણી સરહદના સજાગ ચોકીદાર છે. શ્રી શાહે કહ્યું હતું કે જયાં સુધી સ્થાનિક સામાજના લોકો અને જન પ્રતિનિધિઓના મનમાં સરહદી સુરક્ષા અંગે લાગણી ઉભી નહીં થાય ત્યાં સુધી સરહદી સુરક્ષા સુનિશ્યિત નહીં થઈ શકે. જયાં સુધી સરહદ પર રહેનારા લોકો અને દરેક વ્યકિત જાગૃત નહીં હોય ત્યાં સુધી સરહદોને સુરક્ષિત નહીં કરી શકાય. શ્રી શાહે જણાવ્યું હતું કે જયાં સુધી દેશની આંતરિક સુરક્ષા મજબૂત નહીં હોય, ત્યાં સુધી દેશને આગળ ધપાવવાનું, દેશને વિકાસના માર્ગે લઈ જવાનું મુશ્કેલ બનશે. મોદી સરકારની એ પ્રાથમિકતા છે કે દેશની એક-એક ઈંચ જમીનની ચોક્કસપણે રક્ષા થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આજે આપણાં સંરક્ષણ દળનો એક નાનો સરખો જવાન પણ દુનિયાની એક મોટી શકિત સામે આંખમાં આંખ પરોવી જવાબ આપવા સક્ષમ છે. કાશ્મીરની સરહદ હોય કે પુલવામાનો હુમલો હોય, સરકારે યોગ્ય જવાબ આપ્યો છે.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે સરહદોની સુરક્ષા માટે સૌથી મહત્વની બાબત એ છે કે સરહદી ક્ષેત્રોમાંથી સ્થળાંતર ના થાય તે જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ તે ગામના વિકાસનું પણ છે. સરહદની અંદરના ગામોમાં જેટલો વિકાસ થાય તેટલો સરહદે આવેલા ગામોનો વિકાસ થવો જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરદાર પટેલના વિચારો વાંચવાથી એવી જાણકારી મળે છે કે તેમણે એ વખતે કહ્યું હતું કે સરહદો સુધી માર્ગો, પાણી, વીજળી વગેરે પહોંચવા જોઈએ અને સરહદો પરથી થતું સ્થળાંતર રોકવું જોઈએ. કેન્દ્રમાં જયારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી સરદાર સાહેબના તમામ વિચારોનો યોગ્ય અમલ કરવાની શરૂઆત થઈ ગઈ છે.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદી સરકાર ૬ વર્ષની અંદર સીમાઓને સુરક્ષિત કરવાની જવાબદારી સારી રીતે નિભાવી છે. તમામ દળોને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની તાલીમ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરેક ગરીબના ઘરમાં સરકાર દ્વારા વીજળી, બેંક એકાઉન્ટ અને શૌચાલય પહોંચાડવાની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. દરેક માતાના રસોડા સુધી ગેસ પહોંચાડવાનું કામ પણ પૂરૂ થઈ ગયું છે અને દરેક ગરીબને રૂ.૫ લાખ સુધીની તમામ આરોગ્ય સુવિધાઓનો ખર્ચ ઉપાડી લેવાનું કામ કરવામાં આવ્યું છે. આયુષમાન ભારત યોજના હેઠળ હવે તમામ નાગરિકોની સારવાર કરવામાં આવી રહી છે.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર સાથે તમામ રાજય સરકારો અને ૧૩૫ કરોડ લોકો કોરોના વિરૂધ્ધ લડત આપી રહ્યા છે. શ્રી શાહે કહ્યું હતું કે દિવાળીનો તહેવાર છે, ઉલ્લાસ, ઉમંગ અને આનંદ હોવો જોઈએ, પણ સાથે-સાથે સતર્કતા પણ ખૂબ જ જરૂરી છે.

શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે દેશના કેટલાક વક્રદ્રષ્ટિ ધરાવતા લોકો કે જેમને દરેક કામમાં ખામી શોધવાની ટેવ છે, પરંતુ જનતા ખૂબ જ સમજદાર છે. પરંતુ તેમને ખબર છે કે યોજનાઓની કામગીરી અગાઉ માત્ર ફાઈલો સુધી સીમિત રહેતી હતી, પરંતુ પ્રધાનમંત્રી શ્રી મોદીના નેતૃત્વમાં સરકારની યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે. હમણાં જ થયેલી ચૂંટણીના પરિણામો જનતાના આ વિશ્વાસનું ઉદાહરણ પૂરૃં પાડે છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ સુધી સરહદોની સીમાઓ ઉપર આવેલા માર્ગોનું ડી-સરફેસીંગ કરવાની ઝડપ ૧૭૦ કી.મી. હતી, જેને મોદી સરકારે ૧૭૦ કીલોમીટરથી વધારીને ૪૮૦ કીલોમીટર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ની વચ્ચે ફકત એક જ સુરંગ બની હતી. સુધી ભારત-ચીન સરહદે દર વર્ષે ૨૩૦ કી.મી.ની સડક કટીંગ ફોર્મેટીંગનું કામ થતું હતું, વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ની વચ્ચે આપણે નવી ૬ સુરંગો બનાવી શકયા છે અને ૧૯નું કામ ચાલુ કરી દીધુ છે. આ બાબત દર્શાવે છે કે કેન્દ્રની મોદી સરકાર સરહદ સુરક્ષા બાબતે કેટલી સજાગ છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ની વચ્ચે રૂ. ૩૩૦૦ કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું અને મોદી સરકારે માત્ર વર્ષ ૨૦૧૭-૧૮નું બજેટ રૂ. ૫૪૦૦ કરોડનું રાખ્યું હતું, જેને વર્ષ ૨૦૧૮-૧૯માં વધારીને રૂ. ૬૭૦૦ કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૧૧,૮૦૦ કરોડ કરવાનું કામ કરવામાં આવ્યું છે.

આ અગાઉ કેન્દ્રિય ગૃહમંત્રીએ ત્રણ સરહદી જિલ્લાઓના સરપંચો સાથે વાર્તાલાપ કર્યો હતો. શ્રી અમિતભાઇ શાહે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ સીમા સુરક્ષા દળ અને ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારોના વિકાસ માટે કરવામા આવેલા કામ દર્શાવતા એક પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.

કાર્યક્રમમાં કેન્દ્રના કૃષિ મંત્રી તથા ખેડૂત કલ્યાણ, ગ્રામ વિકાસ, પંચાયતી રાજ, ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના મંત્રી મંડળના અનેક મંત્રીઓ, કેન્દ્રના ગૃહ સચિવ, બીએસએફના મહાનિદેશક, અને અસૂચના બ્યૂરોના નિદેશક અને ગુજરાત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

(11:19 am IST)