Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

સુરેન્દ્રનગરમાં દિવાળીની ખરીદીની રોનક જોવા મળી : ટ્રાફીક સમસ્યા વધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૩ : સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફીક સમસ્યા વકરી છે ત્યારે સુરેન્દ્રનગરના જાહેર માર્ગો પર એક બાજુ ટુ વે માર્ગ કરાતા શહેરમાં ટ્રાફીકની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.

હાલમાં દિવાળીના સમયમાં આજુબાજુના ગામો અને શહેરોમાંથી પણ લોકો ખરીદી માટે આવી રહ્યા છે ત્યારે શહેરની શાકમાર્કેટ જવાર ચોક  વિસ્તાર પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફીક સમસ્યા સર્જાય છે ખાસ કરીને વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર પર ટ્રાફીક વ્યવસ્થા સર્જાવા પામી છે.

સુરેન્દ્રનગર શહેર ટ્રાફીક સમસ્યાઓથી ઘેરાયેલુ શહેર છે. શાકમાર્કેટ પાસે આડેધડ લારીઓવાળા તેમજ બકાલા વાળા તેમજ ફ્રુટ વેચાતા ફેરીયાઓ સહિતના શહેરના જાહેર માર્ગ અને સાંકડા બનાવી રહ્યા છે જયારે બીજી બાજુ વાહનો પાર્ક કરવામાં ભારે મુસીબત સર્જાઇ છે ત્યારે શહેરની શાકમાર્કેટ પાસે આવેલ ધ્રાંગધ્રાના ઉતારામાં આખો દિવસ ટ્રાફીક પોલીસને શાકબકાલાની લારીઓવાળા સંતાકુકડી રમાડનારા રહ્યા હોવા છતા પણ ટ્રાફીક પોલીસ કાયદાકીય જોગવાઇ અનુસાર કાર્યવાહી ન કરતી હોવાનુ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.

સુરેન્દ્રનગર શહેરની ટ્રાફીક સમસ્યા ભારે જટીલ બની છે. ત્યારે વાસ્તવીક તસ્વીરો ટ્રાફીક સમસ્યાની ગવાહી આપી રહી છે.

(11:20 am IST)