Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોરોના પીછો છોડતો નથી

સુરેન્દ્રનગર - ૨૧, ભાવનગર જિલ્લામાં વધુ ૧૩ કેસ મળ્યા

રાજકોટ તા. ૧૩ : કોરોના જાણે પીછો છોડતો નથી તેમ સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૧ અને ભાવનગર જિલ્લામાં વધુ ૧૩ કેસ મળી આવ્યા છે.

 

સુરેન્દ્રનગર જિલ્લામાં  કુલ આંક ૨૭૧૬

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ લોકોમાં ચીંતા જોવા મળી રહી છે તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્તાવાર રીતે અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે.

જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૨૧કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૨૭૧૬ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

ભાવનગરમાં કુલ ૪,૯૩૨ કેસો

ભાવનગર જિલ્લામા વધુ ૧૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૯૩૨ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૮ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા વલ્લભીપુર તાલુકાના રતનપર ગામ ખાતે ૨, વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૨ તથા જેસર તાલુકાના જુનાપાદર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૯૩૨ કેસ પૈકી હાલ ૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૮૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:21 am IST)